અમદાવાદનું આકર્ષણ વધારતું સાબરમતી રિવરફ્રન્ટ જાણે સ્યુસાઇડ પોઇન્ટ બન્યું હોય તેવું જણાઈ રહ્યું છે. વર્ષ 2023માં 181 લોકોએ નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો.જેમાં સૌથી વધુ પુરુષોએ આપઘાત કર્યા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આખરે શુ એવા નકારાત્મક કારણો છે જેનાથી રિવરફ્રન્ટ સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યો છે.
સાબરમતી રિવરફ્રન્ટમાં વર્ષ 2023માં 205 લોકોએ ઝપલાવ્યું જેમાંથી 181ના મોત અને 24 લોકોને બચાવાયા છે. વર્ષ 2022 કરતા 2023માં મોતનો આંકડો વધ્યો છે. અમદાવાદની ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટ જાણે સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યો હોય તેમ આપઘાતની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદની શોભા વધારતા રિવરફ્રન્ટનો ઉપયોગ કેટલાક લોકો સ્યુસાઇડ માટે કરતા હોય તેમ આ આંકડા પરથી જણાય છે. પહેલા બ્રિજ પરથી સ્યુસાઇડ કરતા હતા, પણ બ્રિજ પર જાળી મુકતા હવે વોક વેનો ઉપયોગ આપઘાત માટે થઈ રહ્યો છે.2023ના વર્ષેમાં 205 લોકોએ મોતની છલાંગ લગાવી હતી. જેમાંથી 148 પુરુષ, 31 મહિલા અને 2 બાળકો સહિત 181 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 12 પુરુષ, 11 મહિલા અને 1 બાળકનો જીવ બચાવ્યો છે. આ આંકડાઓ પરથી કઈ શકાય કે, દર 3 દિવસે 1 વ્યક્તિ રિવરફ્રન્ટથી નદીમાં પડતું મૂકીને જિંદગીનો અંત લાવે છે.