ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ ગુજરાતના દસ જિલ્લામાં પ્રમુખોની નિમણૂક કરી છે, જેમાં અમદાવાદમાં હિંમતસિંહ પટેલ, રાજકોટમાં લલિત વસોયા, વડોદરામાં જશપાલસિંહ પઢિયાર અને અમરેલીમાં પ્રતાપ દૂધાતની નિમણૂક કરી છે, સાથે જ કોંગ્રેસ ઇલેક્શન કમિટીની પણ રચના કરી છે, જેમાં 40 સભ્યનો સમાવેશ કર્યો છે.
કોંગ્રેસની જાહેર થયેલી યાદીમાં મોટા ભાગના એવા સભ્યો છે, જે ચૂંટણી લડી ચૂક્યા હોય અને અનુભવી હોય. આવા લોકોની સંગઠનમાં પસંદગી કરી છે અને સંગઠનની કામગીરીમાં બદલાવ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એમ લાગે છે, જેમ કે હિંમતસિંહ પટેલ પૂર્વ મેયર તથા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. પ્રતાપ દૂધાત, લલિત વસોયા, લલિત કગથરા વગેરે જેવા નેતાના અનુભવનો લાભ લઈ નવું સંગઠન ઊભું કરી બદલાવ લાવવાનો આ પ્રયાસ હોય એમ લાગે છે.જ્યારે જૂનાગઢમાં ભરત અમીપરા, પંચમહાલમાં ચેતનસિંહ પરમાર, ખેડામાં ચંદ્રશેખર ડાભી, આણંદમાં વિનુભાઈ સોલંકી, નર્મદામાં પ્રફુલ પટેલ અને ડાંગમાં મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે
આગામી સમયમાં અન્ય શહેર અને જિલ્લાના પ્રમુખના નામની યાદી પણ જાહેર કરવામાં આવશે. આ અંગે તમામ ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ગમે ત્યારે બાકી રહેલા શહેર અને જિલ્લા પ્રમુખના નામ પણ જાહેર થશે.ઓલ ઇન્ડિયા ગુજરાત કોંગ્રેસ માટે ઇલેક્શન કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ કમિટીમાં 40 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ ઇલેક્શન કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં હાલના ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, સિનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલનો આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે