ગાંધીનગરમાં 1 ફેબ્રુઆરીથી ગુજરાતનું બજેટ સત્ર શરુ થયુ છે.વિધાનસભામાં ગુજરાતમાં વધતી હાર્ટ એટેકની ઘટનાઓ અંગે તેમજ રાજ્યમાં પુરી પાડવામાં આવતી સ્વાસ્થ્ય સુવિધાઓ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.જેનો જવાબ ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કોવીડ રસીકરણની આડ અસરથી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને 250 કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ JN 1 વેરિયેન્ટ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં 31 જાન્યુઆરી 2024ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં કોવિડ JN 1 વેરિયેન્ટના 80 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. સરકારે સાવચેતીના પગલાં રૂપે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે દર્દીના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી છે. આરોગ્યની ટીમોએ દ્ હાઉસ ટુ હાઉસ વિઝિટ કરી છે. તેમના કોન્ટેકમાં આવેલ તમામ શંકાસ્પદ દર્દીના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે અને જરૂર જણાયે રૂબરૂમાં દવાઓ આપવામાં આવેલ છે.રાજ્ય સરકાર દ્વારા સતત “ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર” ની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગને અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્વારા દર્દીઓને શોધી દવા તેમજ અદ્યતન સારવાર આપવામા આવે છે.
રાજ્યમાં કોવિડ-19 ટેસ્ટીંગ માટે 207 લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે. જે પૈકી 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે. તમામ આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને સાધન સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની સાથે જાહેર જનતાને શું કરવું શું ન કરવું તે અંગે પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી છે. વિધાનસભામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે સત્વરે કાર્યરત કરાશે. જામનગર જિલ્લામાં વસ્તીના ધોરણે 2 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને દેવભૂમિ દ્વારકામાં ૦૧ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની જરૂરિયાત છે જેનું આયોજન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાગરિકોને આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ ઘર આંગણે જ પ્રાપ્ત થાય તે હેતુસર સમયબદ્ધ આયોજન કરીને અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે. ઋષિકેશ પટેલે જણાવ્યુ કે જામનગર અને દ્વારકા જિલ્લાની હોસ્પિટલોમાં છેલ્લા ત્રણ વર્ષમાં બહારના દર્દીઓ તરીકે,અંદરના દર્દી તરીકે સારવાર સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રસુતી સેવા, લેબ ટેસ્ટ, મેજર અને મધ્યમ ઓપરેશન કરવામાં આવે છે. કોકલિયર ઈમ્પ્લાન્ટ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ‘ અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2014-15 થી 2023-24 સુધીમાં 3018 બાળકોની વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 21126 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા ૬ વર્ષ સુધીના જન્મજાત બહેરાશની તકલીફ ધરાવતા બાળકોને વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી અને સર્જરી બાદ 100 સ્પીચ થેરાપી સેશન સહિતની ગુણવત્તાસભર સારવાર પૂરી પાડવામાં આવે છે. RBSK હેઠળ આરોગ્ય તપાસણી અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં તા. 31-12-2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષ દરમિયાન 3.61 લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. જે પૈકી 174 બાળકોને હૃદય રોગ, 75 બાળકોને કિડની રોગ અને 48 બાળકોને કેન્સર રોગ મળી કુલ 397 બાળકોને આ ગંભીર બીમારીઓની સારવાર આપવામાં આવી છે.