ત્રીજી ડિસેમ્બરે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના વિધાનસભા ચૂંટણીના પરિણામો દેશની સામે આવ્યા હતા. એક તરફ જ્યાં તેલંગાણામાં નવી સરકાર બની પણ ગઈ છે અને કામ પણ શરૂ થઈ ગયું છે ત્યાં બીજી તરફ અન્ય ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીના નામનું પણ એલાન કરવામાં આવ્યું નથી. સૂત્રોનું માનીએ તો આ ઈંતેજાર હજુ સોમવાર સાંજ સુધી લંબાશે, અને સોમવારે સાંજે ધારાસભ્ય દળની બેઠકમાં જ નવા મુખ્યમંત્રીઑના નામનું એલાન કરવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં સૌથી વધુ સસ્પેન્સ રાજસ્થાનને લઈને જામ્યું છે, કારણ કે અહીં દિગ્ગજ નેતા વસુંધરા રાજેનો દાવો ધીમે ધીમે નબળો પડી રહ્યો છે. વસુંધરા રાજેએ સૌથી પહેલા જયપુરમાં જ શક્તિ પ્રદર્શન કર્યું, લાગ્યું કે આવા શક્તિપ્રદર્શનની હાઇકમાન્ડ પર કોઈ અસર નહીં થાય તો તે પોતે દિલ્હી પહોંચ્યા અને અમિત શાહ તથા જેપી નડ્ડા સાથે મુલાકાત કરી. જોકે આ મીટિંગ બાદ પણ તેઓ હજુ સુધી રાજસ્થાન પરત ફર્યા નથી, બીજી તરફ હાઇકમાન્ડ દ્વારા ત્રણેય રાજ્યો માટે ઑબ્ઝર્વરની નિયુક્તિ કરી દેવામાં આવી છે
કેન્દ્રના દિગ્ગજ નેતા રાજનાથ સિંહને રાજસ્થાનમાં ધારાસભ્યોના મનને જાણવાની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે આટલા મોટા નેતાને રાજ્યમાં જવાબદારી આપવામાં આવે ત્યારે સમજી શકાય છે કે પેચ કેવો ફસાયો હશે. આ સિવાય મધ્ય પ્રદેશમાં હરિયાણા મુખ્યમંત્રી ખટ્ટર તથા છત્તીસગઢમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને જવાબદારી આપવામાં આવી છે.
રાજકીય પંડિતો માની રહ્યા છે કે રાજનાથ સિંહને રાજસ્થાનમાં ઉતારવામાં આવ્યા છે તેનો સીધો અર્થ એ છે કે વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવવાના નથી, અને એટલે જ ધારાસભ્યો તથા વસુંધરા રાજેને મનાવવા માટે રાજનાથ સિંહને મોકલવામાં આવ્યા છે.
રાજનાથ સિંહેને રાજસ્થાન મોકલવા પાછળ મોટું કારણ એ પણ છે કે વસુંધરા રાજેને અચાનક જ કિનારે કરી દેવા સરળ નથી. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ તથા ધારાસભ્યો વસુંધરા રાજેને સમર્થન કરે છે. આટલું જ નહીં ધારાસભ્યો માને છે કે વસુંધરાની રાજસ્થાનના અધિકારીઓ પર મજબૂત પકડ છે. રાજસ્થાનમાં વસુંધરા રાજેના કદનો કોઈ મોટો નેતા ભારતીય જનતા પાર્ટી પાસે નથી.
2024ની ચૂંટણી પણ માત્ર ચારથી પાંચ મહિનામાં જ આવી રહી છે, એવામાં જો વસુંધરાને CM બનાવવામાં નહીં આવે તો રાજસ્થાનની એક ડઝનથી વધુ લોકસભા બેઠકો પર તેની સીધી અસર જોવા મળી શકે છે. આ જ કારણ છે કે જો વસુંધરા રાજેને CM બનાવવામાં આવે નહીં, તો જે પણ નવા CM બને તે નામ પર રાજેની સહમતી હોવી જોઈએ.