ભારતીય અબજોપતિનીગૌતમ અદાણી માટે આ વર્ષ 2024 શાનદાર વર્ષ સાબિત થઈ રહ્યું છે. વાત જાણે એમ છે એક તરફ અદાણી ગ્રૂપમાંથી હિંડનબર્ગનો પડછાયો લગભગ દૂર થઈ ગયો છે તો બીજી તરફ ગૌતમ અદાણીની નેટવર્થમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. હવે ફરી એકવાર અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી 100 અબજ ડોલરની નેટવર્થ સાથે અબજોપતિઓની યાદીમાં સામેલ થયા છે. તેમની સંપત્તિમાં થયેલા વધારાને કારણે તેમની નેટવર્થ વધીને 101 બિલિયન ડોલર થઈ ગઈ છે અને તે અમીરોની યાદીમાં બે સ્થાન ઉપર પહોંચી ગયા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર અબજોપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં $2.73 બિલિયન અથવા લગભગ રૂ. 22,600 કરોડથી વધુનો વધારો થયો છે. આ વધારા બાદ તેમની નેટવર્થ પણ વધીને 101 અબજ ડોલર થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે તે હવે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં બે સ્થાનની છલાંગ લગાવીને વિશ્વના 12મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
સંપત્તિમાં ઝડપી વધારાને કારણે ગૌતમ અદાણી હવે સંપત્તિના મામલામાં શ્રીમંતોની યાદીમાં બીજા ભારતીય અબજોપતિ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીથી માત્ર એક સ્થાન પાછળ છે. રિલાયન્સના ચેરમેન અંબાણીની કુલ નેટવર્થ $1.1 બિલિયન અથવા રૂ. 9123 કરોડથી વધુના તાજેતરના વધારા પછી $108 બિલિયન થઈ ગઈ છે. જો અંતરની વાત કરીએ તો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચે માત્ર 7 અબજ ડોલરનું અંતર બાકી છે.
ગયા વર્ષે હિન્ડેનબર્ગ દ્વારા એક સંશોધન અહેવાલના પ્રકાશન પછી ગૌતમ અદાણીને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું અને તેમની સંપત્તિમાં $60 બિલિયનનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. હવે તેમણે જોરદાર વાપસી કરી છે અને તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, 2024ની શરૂઆતને એક મહિના કરતાં થોડો વધુ સમય વીતી ગયો છે અને આ સમયગાળા દરમિયાન તે વિશ્વના તમામ અબજોપતિઓમાં કમાણીના મામલામાં બીજા સ્થાને પહોંચી ગયા છે. તેમણે આ વર્ષે અત્યાર સુધીમાં $16.4 બિલિયનની કમાણી કરી છે. જ્યારે સૌથી વધુ સંપત્તિ ધરાવતા અબજોપતિ ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ છે. માર્ક ઝકરબર્ગની નેટવર્થ $40.5 બિલિયન વધી છે.