2036 માં ઓલિમ્પિક (Olympic 2036) રમવા માટે અમદાવાદ (Ahmedabad) યજમાન બનવા માટે તૈયારી કરી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવા તંત્ર કામે લાગ્યું છે. જેને લઈ હવે આસારામ આશ્રમ સહિતની કબજાવાળી 500 કરોડની જમીન ખાલી કરાવાશે. વિગતો મુજબ આસારામ આશ્રમ, સદાશિવ આશ્રમ, ભારતીય સેવા સમાજને 15,778 ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ અપાઈ છે.
આ મુદ્દે મળતી માહિતી મુજબ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આશ્રમ સહિત કેટલાક રહેણાક મકાનોને પણ જગ્યા ખાલી કરવા નોટિસ અપાઈ છે. આ સાથે શરતોને આધીન અપાયેલી જમીનમાં શરતભંગ થતા નોટિસ અપાઈ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, ઓલિમ્પિક માટે મોટેરા બાદ કોટેશ્વરની જમીન સંપાદિત કરાશે.
ઓલિમ્પક 2036 નું ભવ્ય આયોજન કરવા ગુજરાત સરકાર તૈયારીઓ કરી રહી છે. ત્યારે આ માટે આસારામ આશ્રમ ઉપરાંત આશ્રમ દ્વારા ગેરકાયદેસર રીતે કબજામાં કરાયેલી 500 કરોડની જમીન માટે સરકારે નોટિસ ફટકારી છે. રાજ્ય સરકાર ઓલિમ્પક વિલેજ માટે જગ્યાની શોધ કરી રહી હતી, ત્યારે સરકારની નજર આ કરોડોની જમીન પર પડી છે. જેને આશ્રમ દ્વારા કબજે કરવામાં આવી છે.
આ મુદ્દે રાજ્ય સરકારે કરેલા જમીનના સર્વેમાં આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમે કરોડો રૂપિયાની જમીન કબજે કરી હોવાનું ધ્યાને આવ્યું છે. સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલાં રહેણાક મકાનોને પણ નોટિસ ફટકારી છે. સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલા રહેણાંક મકાનોને પણ નોટિસ ફટકારી છે. જમીન માટે વણઝારા વાસના 19 મકાન, શિવનગર વસાહતના 126 મકાન, આસારામ આશ્રમ, સદાશિવ પ્રજ્ઞામંડળ અને ભારતીય સેવા સમાજને નોટિસ મોકલાઈ છે. સંભવિત ઓલિમ્પિક માટે મોટેરા સ્ટેડિયમ પાસેની જગ્યા ઉપરાંત કોટેશ્વરની જગ્યાનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છએ. કોટેશ્વરમાં પણ મોટી સંખ્યામાં ખાલી પડેલી જગ્યાઓ સરકાર હસ્તગત કરી શકે છે.