ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યુ છે. હાલની વિધાનસભાની પરિસ્થિતિ જોતા તો ચૂંટણી થાય તેવી શક્યતા ઓછી છે, કારણ કે ભાજપના ઉમેદવારો બિનહરીફ જીતી શકે છે. જો ચૂંટણી થાય, તો પણ રાજ્યસભાની ચૂંટણી લોકસભા કે વિધાનસભાની જેમ થતી નથી. રાજ્યસભાની ચૂંટણીમાં કેટલાક નિયમો અને વોટિંગની પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ છે. અહીં આપણે જેમ મત આપીએ તેમ ગુપ્ત મતદાન નથી થતું, અને ધારાસભ્યો પોતાનો મત નીરિક્ષકને બતાવી શકે છે. સાથે જ મતદાન કરવા માટે ખાસ પેનનો ઉપયોગ પણ થાય છે.
લોકસભાના સાંસદો સીધા જ જનતાના મતથી ચૂંટવામાં આવે છે, પરંતુ રાજ્યસભાના સાંસદો માટે આપણે મત આપતા નથી. રાજ્યસભા કાયમી ગૃહ છે, લોકસભા કે વિધાનસભાની જેમ તેનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન નથી થતું, પરંતુ ત્રીજા ભાગના સાંસદો તેમી ટર્મ પૂરી થાય ત્યારે નિવૃત્ત થતા રહે છે. આ સાંસદોની જગ્યાએ નવા સાંસદો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાય છે. આપણે રાજ્યની ચૂંટણીમાં એટલે કે વિધાનસભાની ચૂંટણીમાં જે ધારાસભ્યોને ચૂંટ્યા છે, તેઓ બધા ભેગા થઈને રાજ્યસભાના સાંસદોની ચૂંટણી માટે મત આપે છે. રસપ્રદ વાત એ છે કે આ ચૂંટણી હજી પણ બેલેટ પેપર દ્વારા જ થાય છે. બેલેટ પેપરમાં ધારાસભ્યો જે ઉમેદવારને મત આપવા માગે છે, તેમને રેન્કિંગ આપે છે. સરળ શબ્દોમાં સમજીએ તો રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે A, B, C, D ચાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. હવે જ્યારે કોઈ ધારાસભ્ય મત આપશે, ત્યારે તેમણે એ નક્કી કરવાનું રહેશે કે તેઓ સૌથી પહેલા કયા ઉમેદવારને સાંસદ બનાવવા ઈચ્છે છે. એટલે જો તેઓ Bને જીતાડવા ઈચ્છતા હોય તો તેને 1 નંબર આપશે. અને જો B ન ચૂંટાય તો ધારાસભ્ય બીજી પ્રાથમિક્તામાં Cને પસંદ કરવા ઈચ્છતા હોય તો તેમને 2 નંબર આપશે.
એટલે કે ધારાસભ્યોએ પોતાની પસંદગીના નેતાને રેન્કિંગ આપવાનું રહે છે. મતગણતરી દરમિયાન જો કોઈ ઉમેદવારને 1 નંબર પર બહુમતી ન મળી હોય, તો મતની ગણતરી ફરી થાય છે અને એ જોવામાં આવે છે કે 2 નંબર, 3 નંબર કે અન્ય કયા નંબર પર રહેલા ઉમેદવારને સૌથી વધુ મત મળ્યા છે. આને સેકન્ડ પ્રેફરન્સ વોટ કહેવામાં આવે છે.
અહીં જાણવા જેવી વાત એ પણ છે કે ધારાસભ્યો જ્યારે મતદાન કરે છે, ત્યારે તેમણે એક ખાસ પેનનો ઉપયોગ કરવાનો હોય છે. જો તેઓ અન્ય પેનથી મત આપશે, અથવા તો તેમના બેલેટમાં કોઈ માહિતી અધૂરી હશે તો આ મત માન્ય નહીં ગણાય. સામાન્ય રીતે આપણે જ્યારે મત આપીએ, ત્યારે તેને ગુપ્ત રાખવાનો હોય છે, પરંતુ અહીં ઉલ્ટુ છે. ધારાસભ્યો પોતાનો મત પોતાના પક્ષના સત્તાવાર એજન્ટને બતાવે છે. ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગ ન થાય અને ભ્રષ્ટાચાર ન થાય, તે માટે આ રીતે વોટ બતાવવામાં આવે છે. જેથી પક્ષ જાણી શકે કે તેમના ધારાસભ્યે તેમના દ્વારા નક્કી કરાયેલા ઉમેદવારને જ વોટ આપ્યો છે કે નહીં.
સામાન્ય ચૂંટણીમાં જેને બહુમત મળે તે વિજેતા ગણાય છે, પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં કેટલા વોટ મળશે તો ઉમેદવાર વિજેતા ગણાશે, તે ચૂંટણી પહેલા જ નક્કી હોય છે. આ બહુમત વોટની સંખ્યા, કુલ ધારાસભ્યોની સંખ્યા અને રાજ્યસભાની ખાલી બેઠકોની સંખ્યાના આધેર નક્કી કરવામાં આવે છે. અહીં એક ધારાસભ્યના વોટની વેલ્યુ 100 ગણવામાં આવે છે. જેમ કે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી થવાની છે અને ગુજરાતમાં રાજ્યસભાની કુલ બેઠકો 11 છે. અત્યાર પુરતું એવું યાદ રાખો કે ગુજરાતમાં 182 ધારાસભ્યો છે. તો ચૂંટણીની ફોર્મ્યુલા કંઈક આવી રહેશે.