કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યામાં પોલીસને પહેલી સફળતા મળી છે. જયપુર પોલીસે હત્યાના કાવતરામાં સામેલ રામવીર નામના શખ્સની ધરપકડ કરી છે. જયપુર પોલીસ કમિશનર બીજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું હતું કે ગોગામેડી હત્યા કેસના કાવતરાખોરોમાંના એક રામવીરની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આરોપી રામવીરે જયપુરમાં હત્યારા નીતિન ફૌજી માટે તમામ વ્યવસ્થા કરી હતી. એડિશનલ પોલીસ કમિશનર કૈલાશચંદ્ર બિશ્નોઇએ જણાવ્યું હતું કે આરોપી રામવીર શૂટર નીતિન ફૌજીનો નજીકનો મિત્ર છે.
પોલીસે કહ્યું કે રામવીર સિંહ અને નીતિન ફૌજીનું ગામ નજીકમાં છે. રામવીર હરિયાણાના મહેન્દ્રગઢના સુરેતી પિલાનિયન ગામનો રહેવાસી છે. બંને 12માં ધોરણમાં એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. 12મું પાસ થયા બાદ નીતિન ફૌજી 2019-20માં સેનામાં જોડાયો હતો. રામવીરે 2017થી 2020 સુધી વિલ્ફ્રેડ કોલેજ, માનસરોવર, જયપુરથી બીએસસી અને વર્ષ 2021 થી 2023 માં વિવેક પીજી જયપુરથી એમએએસસી કર્યું હતું.
હત્યાકાંડની તપાસ કરી રહેલા એક અધિકારીએ એવું કહ્યું હતું કે નીતિન ફોજી અને રોહિત રાઠોડ હત્યાના થોડા દિવસ પહેલા જયપુર પહોંચ્યાં હતા અને તેમની પાસે અત્યાધુનિક પિસ્તોલ હતી. પોલીસનું કહેવું છે કે હથિયારો પણ ખરીદી લેવામાં આવ્યાં હતા. જોકે પોલીસે કહ્યું છે કે હત્યારાઓની ધરપકડ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી હત્યારાઓને કોણે ભાડે લીધા હતા અથવા તો તેઓ પોતાની મેળે હત્યાને અંજામ આપ્યો હતો કે તે અંગે કંઈ કહી ન શકાય. ઉલ્લેખનીય છે કે 5 ડિસેમ્બરે જયપુરમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા થઈ હતી. લોરેન્શ બિશ્નોઈ ગેંગના રોહિતસિંહ રાઠોડ અને નીતિન ફોજી નામના ગુનેગારોએ ઘરમાં જઈને સુખદેવ અને નવીન શેખાવત નામના યુવાનની હત્યા કરી હતી.