2023 દરમિયાન ટ્રાફિક પોલીસે જંકશન પર લગાવેલા સીસીટીવીને આધારે ઘર મોકલેલ ઈ-મેમો તેમજ સ્થળ પર મળી 1.86 લાખ વાહનચાલકોને 11.14 કરોડનો દંડ ફટકાર્યો હતો. સિગ્નલ જમ્પ, સ્ટોપ લાઈન ક્રોસ કરવી, ગેરકાયદે પાર્કિંગ, ફેન્સી કે ખામીયુક્ત નંબર પ્લેટ, પીયુસી ન હોવું, રોંગ સાઈડ પર ડ્રાઈવિંગ સહિત ટ્રાફિકના 31 નિયમોના ભંગ બદલ આ દંડ વસૂલ કરાયો હતો. શહેરમાં 212 ટ્રાફિક જંક્શનો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે કેમેરાથી ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈ મેમો ઈશ્યૂ કરવામાં આવે છે.
જેમાં 82 જંક્શનો પર પ્રાઈવેટ કંપનીના કેમેરા લાગેલા છે જેનો છેલ્લા બે વર્ષથી કરાર પૂર્ણ થઈ ગયો હોવાથી આ 82 જંક્શનો પર લાગેલા કેમેરા કામ કરી રહ્યા ન હોવાથી ઈ મેમો ઈશ્યૂ થતાં નથી. જ્યારે સ્માર્ટ સીટીના 130 જંક્શન પૈકી માત્ર 45 જંક્શનો પર લગાવેલા 720 કેમેરા હાલ ચાલી રહ્યા હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા આ જંક્શનો પરથી ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈ મેમો ઈશ્યૂ કરવામાં આવે છે. જેથી પોલીસ દ્વારા સ્થળ પર પર દંડ વસૂલવાનું શરૂ કરી દેવાયું છે. રોજ સરેરાશ 512 લોકો પાસેથી ટ્રાફિક નિયમના ભંગ બદલ 3.05 લાખ દંડ વસૂલાય છે.
કોઈ સગીર વાહન ચલાવીને અકસ્માત કરે તો વાહન આપનારા માતા-પિતા કે વાહનના માલિક સામે પોલીસ કાર્યવાહી કરે છે. જો કે ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તા પર સગીર વાહન લઈને નીકળ્યો હોય અને તેની પાસે લાઈસન્સ ન હોય અને સગીર હોવાનું પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તેના માતા-પિતાને બોલાવીને દંડ ભરાવ્યો અને ફરી વખત સગીરને વાહન ચલાવવા ન આપવાની સમજ આપી હોય તેવા 19 કેસ કરી રૂ.30 હજારનો દંડ વસૂલ કર્યો છે.
ફ્રી લેફટ ટર્નના 1194 કેસ…. ચાર રસ્તા પર ફ્રી લેફટ ટર્નની સુવિધા શરૂ કર્યા બાદ કેટલાક વાહનચાલકો ફ્રી લેફટ ટર્ન રોકી દેતા હતા. જેથી ડાબે વળવાવાળા વાહનચાલકોને જંકશન ખુલ્લંુ ના થાય ત્યાં સુધી ઊભા રહેવાનો વારો આવતો હતો. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા ફ્રી લેફટ ટર્ન રોકનાર વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે. વર્ષ 2023માં ફ્રી લેફટ ટર્ન રોકનાર 1194 વાહનચાલકોને રૂ.6.82 લાખનો દંડ ફટકાર્યો છે.