ખેડૂતોના આંદોલનના એલાનને કારણે હરિયાણામાં પ્રતિબંધો સતત વધી રહ્યા છે. એક તરફ હરિયાણા સરકારે રાજ્યના સાત જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. અંબાલા, જીંદ, કુરુક્ષેત્ર, હિસાર, કૈથલ, ફતેહાબાદ અને સિરસામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકાયો છે. આ તરફ ચંદીગઢને અડીને આવેલા પંચકુલામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પંચકુલાના ડીસીપી સુમેર સિંહ પ્રતાપે કહ્યું કે, સરઘસ, પ્રદર્શન, પગપાળા અથવા ટ્રેક્ટર ટ્રોલી અને અન્ય વાહનો સાથે માર્ચપાસ્ટ કરવા અને કોઈપણ પ્રકારની લાકડીઓ, સળિયા અથવા હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
13 ફેબ્રુઆરીએ ખેડૂતોના સંગઠનોની દિલ્હી તરફ કૂચની જાહેરાત બાદ પંજાબ-હરિયાણા સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે જેથી તેઓને રાષ્ટ્રીય રાજધાની તરફ જતા અટકાવી શકાય. પંજાબ-હરિયાણાની સરહદો સીલ કરી દેવામાં આવી છે. બેરીકેટ્સ, પથ્થરો, રેતી ભરેલા ટીપર અને કાંટાળા તાર લગાવીને સરહદો બંધ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં ખેડૂતોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે બેરિકેડ્સની સંખ્યા વધારી દેવામાં આવી છે. અહીં ટાયર કિલર, ક્રેન, હાઇડ્રોલિક મશીન, વોટર કેનન, કન્ટેનર અને મોટા પથ્થરો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે સિમેન્ટ બેરિકેડ, લોખંડની ખીલીઓ, ઈન્ટરનેટ-એસએમએસ સેવાઓ સ્થગિત કરવા અને ભારે પોલીસ તૈનાતનો ઉપયોગ કરવાની તૈયારી કરી છે. હરિયાણાના ઘણા જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને પોલીસ દળની સાથે CRPF અને અન્ય સુરક્ષા એજન્સીઓને પણ તૈનાત કરવામાં આવી છે. એક સત્તાવાર આદેશ અનુસાર અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લામાં 11 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યાથી 13 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11.30 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.
બોર્ડર સીલ કરવાની સાથે ટ્રાફિક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણાના મુખ્ય માર્ગો પર સંભવિત ટ્રાફિક વિક્ષેપની સંભાવનાને ધ્યાનમાં રાખીને હરિયાણા પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે. જો કે, રાજ્યના અન્ય તમામ માર્ગો પર વાહનવ્યવહાર ચાલુ રહેશે. આવી સ્થિતિમાં, વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે તેઓ આ સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળે અને જો શક્ય હોય તો મુસાફરી કરવાનું ટાળે. પ્રશાસને પેહોવાના ગામ તુકારમાં હરિયાણા પંજાબ સરહદને સીલ કરી દીધી છે. હરિયાણા પ્રશાસનને 13 ફેબ્રુઆરીએ ખેડૂતો દ્વારા દિલ્હી તરફની કૂચને લઈને એલર્ટ કરવામાં આવ્યું છે.
MSP માટે કાયદાકીય ગેરંટી, સ્વામીનાથન કમિશનની ભલામણોનો અમલ, ખેડૂતોની લોન માફી, ખેડૂતો પર નોંધાયેલા કેસો પાછા ખેંચવા, લખીમપુર ખેરી હિંસાનો ભોગ બનેલાઓને ન્યાય એ ખેડૂતોની મુખ્ય માંગણીઓ છે. જેના કારણે હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના ઘણા ખેડૂત સંગઠનોએ વિરોધની ચેતવણી આપી છે.