ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ બોલીવુડ અભિનેતા સલમાન ખાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. આ માટે બે વખત રેકી કરવામાં આવી છે. આ ચોંકાવનારો ખુલાસો લોરેન્સના નજીકના સંપત નેહરાએ કર્યો છે. રાજસ્થાન પોલીસની ત્રણ એજન્સીઓએ નેહરાની પૂછપરછ દરમિયાન આ માહિતી મેળવી હતી. તેણે કહ્યું- લોરેન્સના સાગરિતો માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ફેલાયેલા છે. આ ઉપરાંત તેણે પાકિસ્તાન સહિત વિવિધ દેશોમાં અત્યાર સુધીમાં 6થી વધુ હત્યાઓ પણ કરી છે.
સંપતે કહ્યું કે લોરેન્સ પાકિસ્તાનમાં પણ હત્યા કરાવી ચૂક્યો છે. હત્યા માટે તેના સાગરિતોને જીગ્ના પિસ્તોલ આપવામાં આવે છે. જે દિલ્હીથી મળે છે. દિલ્હીમાં ત્રણ જગ્યાએ તેના સાગરિતો હથિયાર ઉઠાવે છે. આ પછી તેમને લોકેશન પર ઉતારવામાં આવે છે. દરેક રાજ્યમાં દરેક કામ માટે યુવાનો કામ કરી રહ્યા છે. તેમની પાસે દરેક રાજ્યમાં 300થી 500 લોકોની ટીમો છે. એજન્સીઓએ નેહરાની ચુરુમાં એક બિઝનેસમેન પાસેથી પૈસા માંગવાના મામલામાં પૂછપરછ કરી હતી. આ પછી તેને ભટિંડા જેલમાં ખસેડવામાં આવ્યો છે. હવે NIAની ટીમ નેહરાને રિમાન્ડ પર લઈ આ કેસમાં તેની પૂછપરછ કરશે. જ્યારે પોલીસે સંપત નેહરાને ભટિંડા હાઈ સિક્યોરિટી જેલમાંથી રિમાન્ડ પર લીધો હતો. તે સમયે સંપતના વાળ ઘણા લાંબા હતા. સંપતે આશરે રૂ. 1.25 લાખના શૂઝ પહેર્યા હતા. તેના જીન્સની કિંમત લગભગ 18 હજાર રૂપિયા હતી. તેના ટી-શર્ટની કિંમત લગભગ 4 હજાર રૂપિયા અને જેકેટની કિંમત લગભગ 35 હજાર રૂપિયા હતી.
રાજસ્થાન પોલીસ ઇચ્છતી ન હતી કે બદમાશ સારા વેશમાં સામાન્ય લોકોની સામે જાય. તેથી જ રાજસ્થાન પોલીસે સંપતને લાવતી વખતે તેના વાળ ટૂંકા કરી દીધા હતા. પછી તેના શૂઝ ઉતારીને તેને ચપ્પલ આપી. તેના કપડાં ઉતારી ફાટેલા કપડાં આપ્યા. એક IPS અધિકારીએ કહ્યું કે સંપત નેહરાની પૂછપરછ દરમિયાન જે માહિતી બહાર આવી છે તે ચોંકાવનારી અને પરેશાન કરનારી છે. રાજસ્થાન પોલીસે આ બદમાશોની સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગને તોડી નાખી છે, પરંતુ આ પછી પણ આ બદમાશોના સાગરિતોની સંખ્યા ઓછી થઈ રહી નથી. સંપત પાસેથી મળેલી દરેક માહિતીની તપાસ કરવામાં આવી રહી છે. વરિષ્ઠ અધિકારીઓને નેહરાની પૂછપરછ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. રાજસ્થાન પોલીસ ટૂંક સમયમાં નેહરા, લોરેન્સ અને રોહિતના સાગરિતોની શોધમાં વિશેષ ઓપરેશન શરૂ કરવા જઈ રહી છે.
તમને જણાવી દઈએ કે ચુરુ પોલીસે પ્રોડક્શન વોરંટ પર 4 ફેબ્રુઆરીએ ભટિંડા જેલમાંથી સંપત નેહરાની ધરપકડ કરી હતી. 5 ફેબ્રુઆરીએ પોલીસે નેહરાને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે નેહરાને પોલીસને 3 દિવસના રિમાન્ડ આપ્યા હતા. 7 ફેબ્રુઆરીએ પોલીસે નેહરાને ફરીથી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી તેને ફરીથી બે દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. 9મી તારીખે પોલીસે ફરી નેહરાને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ પછી પોલીસ 10મીએ સવારે નેહરાને ભટિંડા જેલમાં લઈ ગઈ.
સલમાન ખાનનું ફાર્મ હાઉસ નવી મુંબઈના પનવેલમાં છે. 4 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે, બે અજાણ્યા લોકોએ અભિનેતાના ફાર્મ હાઉસમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. બંને શખસો ફેન્સીંગના વાયરો તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ફાર્મ હાઉસમાં બે શંકાસ્પદ લોકોને જોઈને ત્યાં હાજર ગાર્ડે તરત જ તેમને રોક્યા. આ પછી ફાર્મ હાઉસના મેનેજરને પણ બોલાવવામાં આવ્યો હતો. બંનેની પૂછપરછ દરમિયાન તેઓએ પોતાને સલમાન ખાનના ચાહક હોવાનું જાહેર કર્યું હતું. બંનેની વાત પર સિક્યુરિટી ગાર્ડે વિશ્વાસ ન કર્યો અને તેમને પોલીસને હવાલે કર્યા. ઘટના સમયે સલમાન ખાન તેના ફાર્મ હાઉસમાં નહોતો.
પૂછપરછમાં બંને પાસે નકલી આધાર કાર્ડ હોવાનું બહાર આવ્યું હતું. બંને વિરુદ્ધ IPC કલમ 420 એટલે કે છેતરપિંડી કરવાનો પ્રયાસ, કલમ 448 એટલે કે ટ્રેસ પાસિંગ, કલમ 465 છેતરપિંડી, કલમ 468 અને કલમ 471 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. સલમાન ખાનને ગયા વર્ષે લોરેન્સ ગેંગ તરફથી ધમકીઓ મળી હતી. લોરેન્સે સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં તેનો હાથ છે. ધોળા દિવસે મૂસેવાલાની હત્યા પછી, એવી આશંકા હતી કે તે સલમાન ખાન પર હુમલાઓ કરી શકે છે કારણ કે તેણે લાંબા સમય પહેલા સલમાનને ધમકી આપી હતી. આ ધમકી બાદ સલમાનને Y+ સુરક્ષા આપવામાં આવી હતી. તે બુલેટ પ્રુફ વાહનમાં જ ઘરની બહાર નીકળે છે, જેમાં તેના ખાનગી ગાર્ડ પણ રહે છે.
સલમાન ખાન તેના આખા પરિવાર સાથે મુંબઈના બાંદ્રામાં રહે છે, પરંતુ તે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે અવારનવાર પનવેલમાં તેમના ફાર્મહાઉસ જાય છે. સલમાને પોતાના ફાર્મ હાઉસમાં જન્મદિવસ અને નવા વર્ષની પાર્ટી પણ સેલિબ્રેટ કરી હતી. આ ફાર્મ 150 એકરમાં ફેલાયેલું છે. અહીં ખેતી પણ થાય છે. આ ફાર્મમાં સલમાને સ્વિમિંગ પૂલથી લઈને જીમ સુધીનું બધું જ નિર્માણ કર્યું છે. કોવિડ દરમિયાન લોકડાઉન દરમિયાન પણ સલમાન ખાન તેના ફાર્મ હાઉસમાં હતો. સલમાને આ ફાર્મ હાઉસનું નામ તેની બહેન અર્પિતાના નામ પરથી રાખ્યું છે.