રાજ્યમાં ફરી એકવાર જાતિવાદનો ઝેર ઉગલવાનો પ્રયાસ કરાયાનો કિસ્સો ધ્યાને આવ્યો છે. ગાંધીનગરમાં જાતિવાદી ઝેર ધરાવતા અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. 4 શખ્સોએ દલિત વરરાજાને અપશબ્દો બોલી ઘોડી પરથી નીચે ઉતાર્યો હતો અને ધાક ધમકી આપી હતી.
ગાંધીનગરના ચડાસણ ગામે આવેલી જાનને રોકી અસામાજિક તત્વોનો આતંક મચાવ્યો છે. આપને જણાવીએ કે, ચડાસણા ગામમાં જાન આવતા ગામના 4 શખ્સોએ જાનને રોકી હતી. જે જાતિવાદની ભ્રામક્તા ધરાવતા શખ્સો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘અમારા ગામના તમને રિવાજ ખબર નથી’. આમ ધાક ધમકી દ્વારા વરરાજાને ઘોડી પરથી નીચે ઉતાર્યો હતો.
આમ આ લગ્ન પ્રસંગમાં 4 શખ્સોએ ઘોડી અને ડિજે વગાડનાર લોકોને ગામમાંથી ભગાડી દીધા હતાં. જો કે, સમગ્ર ઘટનાને લઇ 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે. જે ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, કેટલાક વ્યક્તિઓ અપશબ્દો પણ બોલી રહ્યાં છે. ઘટના પગલે ગામમાં ઉગ્ર માહોલ પણ બન્યો હતો.