પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા ગુમાવી કોંગ્રેસ ટેન્શનમાં આવી ગઈ છે. આ દરમિયાન રાજસ્થાનમાં ચૂંટણી કેમ હાર્યા તે મુદ્દે ટોચના નેતાઓએ મંથન કર્યું હતું જેમાં હારના કારણો પણ જણાવાયા હતા. રાજસ્થાન સહિત હિન્દી બેલ્ટમાં કોંગ્રેસનું જે પ્રકારનું પ્રદર્શન રહ્યું છે તેનાથી આગામી લોકસભા ચૂંટણીને લઈને તેનું ટેન્શન વધી ગયું છે. જો આવી જ સ્થિતિ રહેશે તો લોકસભામાં તેને મુશ્કેલી પડશે.
શું કહ્યું અશોક ગેહલોત અને રાહુલ ગાંધીએ ? ખરેખર રાજસ્થાનમાં મળેલા પરાજય બાદ પાર્ટીના નેતાઓએ બેઠક કરી જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત પણ જોડાયા હતા. આ બેઠકમાં અશોક ગેહલોતે કહ્યું કે ભાજપે રાજ્યમાં ધાર્મિક ધ્રૂવીકરણના સહારે જીત મેળવી હતી. જેના પર રાહુલે કહ્યું કે રાજસ્થાનમાં હારનું મુખ્ય કારણ તો લોકો સાથે સારી રીતે સંવાદ ન કરવો છે
રાહુલે ધ્રૂવીકરણની વાતને નકારી કાઢી
સમીક્ષા બેઠકમાં રાહુલ ગાંધી અશોક ગેહલોતની ધ્રૂવીકરણની વાત સાથે સહમત નહોતા દેખાયા. રાહુલે કહ્યું કે જો ખરેખર ભાજપે ધ્રૂવીકરણ કર્યું છે અને તેના કારણે જ ભાજપ જીત્યો છે તો પછી કોંગ્રેસના વોટશેર પર તેની અસર દેખાવી જોઈતી હતી. તેમણે કહ્યું કે જો ભાજપ ધ્રૂવીકરણમાં સફળ થયો હોત તો કોંગ્રેસ તેનો 40 ટકા વોટશેર જાળવી રાખવામાં સફળ ન થઈ હોત. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જીત-હારનું વધારે અંતર નહોતું.
લોકો સુધી યોજનાઓ યોગ્ય રીતે ન પહોંચી
બેઠક દરમિયાન અશોક ગેહલોતે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ સાંપ્રદાયિક રંગ આલાપ્યો હતો. પીએમ મોદી સામે નિશાન તાકતાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારના રેકોર્ડને પડકારી તેઓ ચૂંટણી નહોતા લડ્યા. રાહુલે ગેહલોતની એ વાતથી સહમતિ બતાવી કે રાજ્યમાં જે કલ્યાણકારી યોજનાઓ ચલાવાઈ હતી તે અત્યાધુનિક હતી. જોકે રાહુલે કહ્યું કે આ યોજનાઓને યોગ્ય રીતે લોકો સુધી ન પહોંચાડાઈ. કર્ણાટકનું ઉદાહરણ આપતાં રાહુલે કહ્યું કે દક્ષિણ રાજ્યમાં યોજનાઓને લોકો સુધી પહોંચાડાઈ અને પાર્ટીને ત્યાં જીત મળી. યોજનાઓની જાણકારી લોકો સુધી ફક્ત રેલીઓ દ્વારા પહોંચી. નૌકરશાહી પર સરકાર હાવિ હોવાની વાત પણ વાત કહી.