રાજકોટની એક મહિલાના પતિ સાથે છુટાછેડા થયા બાદ વિસમ સ્થિતિમા ફસાઇ હોય અમરેલીના શખ્સે તેને મેલી વિદ્યાના બહાને ફસાવી તેના પર દુષ્કર્મ આચરી તેના છ સાથીદારોએ પણ દુષ્કર્મ આચરી તાંત્રિક વિધીના બહાને રૂપિયા ત્રણ લાખથી વધુની રકમ પડાવી ધમકીઓ આપતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.બનાવ અંગે રાજકોટમા ધરમનગરમા રહેતી 22 વર્ષીય એક મહિલાએ અમરેલીના મુકેશ ભેસાણીયા અને તેની પત્ની રાધિકા ઉપરાંત વિસાવદરના સુનીલ રાવળદેવ, દિનેશ રીબડીયા અને એક અજાણ્યો ભુવો તથા રાજકોટની ભારતી પ્રકાશ ગોંડલીયા સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
જેમા તેણે જણાવ્યું હતુ કે તેને સંતાનમા ત્રણ વર્ષનો દીકરો છે. અને પતિ સાથે છુટાછેડા થયા બાદ માવતરે રહેતી હતી. માતા પિતા વચ્ચે પણ અણ બનાવ થતા પરિસ્થિતિ વિપરીત બની હતી. યુવતીની માતાએ આ અંગે તેની બહેનપણીને વાત કરતા બહેનપણી ભારતીએ અમરેલીમા રહેતા જમાઇ મુકેશ પાસે બે મોહિની છે જેથી દીકરીને તેની પાસે મોકલવા કહ્યું હતુ. આ યુવતી અમરેલી આવતા મુકેશે તેને તાંત્રિક વિધિમા ફસાવી હતી. માથે મેલુ છે અને અઘરૂ કામ છે એકલાથી નહી થાય તેમ કહી વિસાવદરના ભુવા અને અન્યને સામેલ કર્યા હતા અને વિધીના બહાને 3.13 લાખની રકમ પડાવી હતી.
એટલુ જ નહી મુકેશે મેલુ કાઢવા શરીર સંબંધ બાંધવો પડશે તેમ કહી જુદાજુદા ડર બતાવી દુષ્કર્મ આચર્યુ હતુ. અને ત્યારબાદ પોતે પૈસા કમાવવા જુદાજુદા લોકોને બોલાવી તેના પર દુષ્કર્મ કરાવ્યું હતુ. માતાને કંઇક અજુગતુ લાગતા પોતાની દીકરીને રાજકોટ પરત લઇ ગયા હતા. જયાં સમગ્ર ઘટના જાણ્યા બાદ આજે યુવતીનો પરિવાર આ અંગે ફરિયાદ નોંધાવવા અમરેલી તાલુકા પોલીસ મથકે દોડી ગયો હતો.આ ઘટનામા સાવરકુંડલાના એક નિવૃત પોલીસકર્મીની ભુંડી ભુમિકા હોવાનુ પણ કહેવાય છે. ઉપરાંત રાજુલાના એક શખ્સે પણ યુવતીને બ્લેકમેઇલનો પ્રયાસ કર્યો હતો. અમરેલીમા ફાટક પાસે આઇસ્ક્રીમ પાર્લરવાળાએ પણ પિડીતાની કનડગત કરી હતી.