સુરેન્દ્રનગર જિલ્લામાં ધમધમતી ગેરકાયદે કોલસાની ખાણ વધુ એકવાર ગરીબ મજૂરો માટે ‘મોતની ખાણ’ સાબિત થઈ છે. મૂળી તાલુકામાં કૂવો ખોદતી સમયે ભેખડ ધસી પડતા ત્રણ મજૂરોના મોત થયાને હજી તો 21 દિવસ જ વિત્યા છે ત્યાં જિલ્લામાં વધુ એક ગેરકાયદે ખાણમાં ત્રણ મજૂરોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દેવપરા ગામમાં કાર્બોસેલની ખાણમાં જીલેટીનથી બ્લાસ્ટ કરાયા બાદ કોલસો કાઢવા માટે મજૂરોને ઉતારાતા ગેસ ગળતરના કારણે ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ મજૂરોની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. જિલ્લામાં 21 દિવસમાં જ ખાણ મજૂરોના મોતની બે ગંભીર ઘટનાઓ બનતા તંત્રની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. કલેકટરે કહ્યું હતું કે, ગેરકાયદે કામ કરતા એક પણ વ્યકિતને બક્ષવામાં નહીં આવે.
આ અંગે સુરેન્દ્રનગરના ડીવાયએસપી એચ.પી.દોશીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરના દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરની ઘટનામાં રાજસ્થાનના ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. હાલમાં ત્રણેય મૃતક મજૂરોનું મુળી સરકારી હોસ્પિટલમા પોસ્ટ મોર્ટમ ચાલી રહ્યું છે, જ્યારે આ બનાવ અંગે ફરિયાદની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.