તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટઈમાં આજે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 9 કામદારો ઘટનાસ્થળે જ જીવતા ભડથું થયા હતા. અને અન્ય 6 મજૂરો જે ઘાયલ થયા હતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ફટાકડાની ફેક્ટરી મુથુસમીપુરમમાં આવેલી હતી, જેના માલિકનું નામ વિજય હોવાનું કહેવાય છે. વિસ્ફોટ બાદ સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બેનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
અકસ્માતની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ ફેક્ટરીના કેમિકલ મિક્સિંગ રૂમમાં થયો હતો. આ વિસ્ફોટમાં ફેક્ટરીની નજીક આવેલી ચાર ઈમારતોને પણ નુકસાન થયું છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જે મકાનમાં ફટાકડાનું કારખાનું ચાલતું હતું તે ઘર જમીનદોસ્ત થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું કે કાટમાળ નીચે દબાઈને વધુ કેટલાક લોકોના મોત થયા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં માર્યા ગયેલા 9 લોકોમાં 5 મહિલાઓનો સમાવેશ થાય છે. ગંભીર રીતે ઘાયલ છ લોકોને શિવકાશીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગયા વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં વિરૂધુનગર જિલ્લામાં ફટાકડાની બે ફેક્ટરીમાં વિસ્ફોટ થયા હતા. રંગાપલયમ અને કિચિનિયાકાનાપટ્ટીમાં બે અલગ-અલગ ફટાકડાની ફેક્ટરીઓમાં થયેલા વિસ્ફોટોમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા.