ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો આજે બિનહરીફ જાહેર થયા છે. વિધાનસભામાં બમ્પર બહુમતના કારણે ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામા આવી છે. મહત્વનું છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો ત્યારે ડમી ઉમેદવાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું હતું અને એક અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા રદ્દ થયું હતું તેમજ કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવારનો ફાર્મ ભર્યું નહતું જેથી ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ અંગે આજે સત્તાવાર જાહેરાત કરી દેવામા આવી છે. સત્તાવાર જાહેર કરાતા, જે.પી.નડ્ડા, મયંક નાયક, ડો જશવંતસિંહ પરમાર, ગોવિંદ ધોળકીયા રાજ્યસભાના સાંસદ બન્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી આજે મંગળવારે રાજસ્થાનથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા હતા. તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભા માટે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. લોકસભામાં 6 ટર્મ પૂર્ણ કર્યા બાદ સોનિયા ગાંધીનો ઉપલા ગૃહમાં આ તેમનો પ્રથમ કાર્યકાળ છે. સોનિયા ગાંધી ઉપરાંત રાજસ્થાનથી ભાજપના ચુન્નીલાલ ગરાસિયા અને મદન રાઠોડ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ ગત 15 ફેબ્રુઆરીએ રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, આજે સત્તાવાર રીતે રાજસ્થાનથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા હતા. લોકસભામાં છ ટર્મ પૂર્ણ કર્યા બાદ સોનિયા ગાંધી પ્રથમવાર રાજ્યસભાના સાંસદ તરીકે સંસદમાં બિરાજશે.
બિહારના તમામ 6 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે. બિહારમાંથી રાજ્યસભા માટે ભાજપના બે, આરજેડીના બે, જેડીયુમાંથી એક અને કોંગ્રેસમાંથી એક ઉમેદવાર મેદાનમાં હતા. રાજ્યસભા માટે તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. ભીમ સિંહ અને ધરમશીલા ગુપ્તાએ ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે જેડીયુ તરફથી સંજય ઝાને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય જનતા દળ તરફથી મનોજ ઝા અને સંજય યાદવ અને કોંગ્રેસ તરફથી અખિલેશ પ્રસાદ સિંહે ઉમેદવારી નોંધાવી હતી. આ બધા ઉમેદવારો આજે બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
મધ્યપ્રદેશમાંથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જેમાં ભાજપના એલ મુરુગન, ઉમેશ નાથ મહારાજ, માયા નરોલિયા, બંશીલાલ ગુર્જરનું નામ સામેલ છે. સાથે જ કોંગ્રેસના અશોક સિંહને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.