અમદાવાદ જાણે યુપી બીહાર બની ગયુ હોય તેવુ લાગી રહ્યું છે. કારણે ગમે ત્યારે ફાયરિંગ, લૂંટ, ચોરી, હુમલાની ઘટનાઓ બનતી હોય છે. જમાલપુરમાં ગળા પર છરી મુકીને ડ્રાઇવર પાસેથી 43 હજારની લૂંટ ચલાવવાની ઘટનાની સાહી હજુ સુકાઇ નથી, ત્યારે ગત મોડીરાતે મણીનગરમાં આવેલી એક જ્વેલર્સની શોપને હથીયાર ધારી શખ્સોએ ટાર્ગેટ કરીને 11.63 લાખના દાગીનાની લૂંટ કરી નાસી જતા ચકચારમચી ગઇ છે. ચાર શખ્સો દુકાનમાં આવ્યા અને શોપના માલીકના લમણે રિવોલ્વર ટાંકી ગણતરીની મિનિટોમાં ડીસપ્લેમાં લગાવેલા દાગીના લૂંટીને ફરાર થઇ ગયા હતા.
રિવોલ્વર ટાંકી ત્યારે એક લૂંટારૂ હિન્દીમાં બોલ્યો હતો કે, આજ તેરી ગોલી માર કે હત્યા કરતા હૂં. લૂંટારૂની વાત સાંભળીને શોપના માલીકે સરેન્ડર કર્યું અને કહ્યું હતું કે, મારી હત્યા ના કરો તમારે જે લઇ જવુ હોય તે લઇ જાઓ. શોપના માલિકની વાત સાંભળીને લૂંટારૂઓએ દુકાનમાં શાંતિથી સોનાના દાગીનાની લૂંટ કરીને નાસી ગયા હતા. બાદમાં શોપના માલીકે બુમાબુમ કરી દીધી હતી. ઇસનપુર વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા 28 વર્ષીય અમૃત માળીએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ લૂંટની ફરિયાદ કરી છે. અમૃત માળી તેમના પરિવાર સાથે રહે છે અને મણીનગર ભૈરવનાથ સર્કલ નજીક જય ભવાની જ્વેલર્સની શોપ ધરાવીને ગુજરાન ચલાવે છે. ગઇકાલે અમૃત માળી તેમની શોપમાં હાજર હતા. ત્યારે ચાર શખ્સો આવ્યા હતા. અમૃત માળીએ ગ્રાહક સમજીને આવકારો આપ્યો હતો, પરંતુ તે લૂંટારૂ નીકળ્યા હતા. અમૃત માળી કઇ સમજે તે પહેલા ચાર શખ્સો પૈકી એક શખ્સે તેમના લમણે રિવોલ્વર મુકી દીધી હતી. રિવોલ્વર મુકતાની સાથે જ અમૃત માળી ગભરાઇ ગયા હતા. લૂંટારૂ શખ્સે અમૃત માળીને ધમકી આપી હતી કે, આજ તેરી ગોલી માર કે હત્યા કરતા હૂં, પહેલે પેરમે ગોલી માંરુગા ઉસકે બાદ દીમાગ મૈ.
અમૃત માળી લૂંટારૂઓની ધમકીથી ડરી ગયા હતા અને બાદમાં તેઓ સરેન્ડર થઇ ગયા હતા. સરેન્ડર થઇ જતા લૂંટારૂઓએ ડીસપ્લેમાં મુકેલા 11.63 લાખના દાગીના લૂંટી લીધા હતા. દાગીના લૂંટી લીધા બાદ લૂંટારૂઓ ભાગી ગયા હતા. જ્યારે અમૃત માળીએ બુમાબુમ કરી દીધી હતી. લોકો લૂંટારૂઓનો પીછો કરે તે પહેલા તે તેમના વાહનો લઇને નાસી ગયા હતા. અમૃત માળીએ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારને તેમજ પોલીસને કરી હતી. લૂંટની જાણ થતાની સાથે જ મણીનગર પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. જ્યારે ઉચ્ચ અધિકારીઓ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ પહોંચી ગઇ હતી. મણીનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ચાર શખ્સો દુકાનમાં ઘુસ્યા અને લૂંટની ઘટનાને અંજામ આપી નાસી ગયા તે તમામ દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. મણીનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચે સીસીટીવી ફુટેજના આધારે લૂંટ કરનાર કોણ છે તે શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે. પોલીસને શંકા છે કે લૂંટ કરવા માટે આવેલા ગઠીયાઓ બીજા રાજ્યના છે. પોલીસ તપાસમાં હવે તે પણ સામે આવ્યુ છે કે, લૂંટારૂઓ હવે લક્ઝ્યુરીસ શોરૂમ કરતા જ્વેલર્સના નાના શોરૂમને ટાર્ગેટ કરી રહ્યા છે. જ્યારે ચારેય શખ્સો દુકાનમાં ઘુસ્યા ત્યારે એક શખ્સે રિવોલ્વર ટાંકી હતી. જ્યારે બીજા શખ્સે પોતાની પાસે રહેલો ધારદાર છરો કાઢીને કાઉન્ટર પર મુક્યો હતો. ડીસપ્લેમાંથી દાગીના ચોરી લીધા બાદ લૂંટારૂઓ છરી લીધા વગર નાસી ગયા હતા. જેથી પોલીસની ટીમે હથીયાર કબજે કર્યું છે. લૂંટની આ ઘટનામાં પોલીસે એફએસએલ તેમજ ડોગસ્ક્વોડની પણ મદદ લીધી છે.
લૂંટારૂઓને ખબર હતી કે, લૂંટ કર્યા બાદ અમૃત માળી તરત જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી દેશે. જેના કારણે દાગીના લૂંટી લીધા બાદ લૂંટારૂઓએ અમૃત માળીનો મોબાઇલ ફોન પણ લૂંટી લીધો હતો. જ્યારે લૂંટારૂઓ ભાગ્યા ત્યારે અમૃત માળી એકદમ ગભરાયેલો હતો. જેથી તેમણે થોડા સમય બાદ બહાર આવીને બુમાબુમ કરી દીધી હતી. ભૈરૂનાથ સર્કલ પર રોડ બનતો હોવાથી ત્યા ખોદકામ હતું. જેથી લૂંટારૂઓએ તેમના વાહનો દુર પાર્ક કર્યા હતા. લૂંટ કર્યા બાદ લૂંટારૂ શખ્સો આરામથી નીકળ્યા અને વાહનો લઇને નાસી ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે પોલીસને શંકા છેકે વાહનો ચોરી ના હોઇ શકે છે. આ પહેલા પણ જ્યારે આવી લૂંટની ઘટનાઓ બની હતી ત્યારે લૂંટારૂઓએ ચોરીના વાહનનો ઉપયોગ કર્યો હતો.