IPL 2024ની શરૂઆત પહેલા એક મોટું અપડેટ સામે આવ્યું છે. ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી IPLમાંથી બહાર થઈ ગયો છે. તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. જેથી તેને બ્રિટનમાં સર્જરી કરવા જવાની જરૂર પડશે. બીસીસીઆઈના સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને આ માહિતી આપી છે. 33 વર્ષીય શમી ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીનો ભાગ નથી, તે છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત માટે રમ્યો હતો.
બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, શમી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં પગની ઘુંટીનું ખાસ ઈન્જેક્શન લેવા લંડન ગયો હતો, જ્યાં તેને કહેવામાં આવ્યું હતું કે, ત્રણ અઠવાડિયા પછી તે ધીમી દોડ શરૂ કરી શકે છે અને તે પછી આ ઈન્જેક્શન લઈ શકે છે. બીસીસીઆઈના આ વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ ઈન્જેક્શન કામ કરતું નથી અને હવે એકમાત્ર વિકલ્પ સર્જરી છે. આવી સ્થિતિમાં શમી ટૂંક સમયમાં સર્જરી માટે બ્રિટન જવા રવાના થશે, તેથી IPLની આ સિઝનમાં શમીના રમવાનો સવાલ જ ઊભો થતો નથી. આવી સ્થિતિમાં શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ ટીમ માટે આ મોટો ફટકો છે.
શમીએ વર્લ્ડ કપની 7 મેચમાં 24 વિકેટ લઈને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. દુખાવો હોવા છતાં તે આ ટૂર્નામેન્ટમાં રમ્યો હતો. તાજેતરમાં જ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. શમીએ એક દાયકાથી વધુની કારકિર્દીમાં 229 ટેસ્ટ, 195 વનડે અને 24 ટી-20 વિકેટ લીધી છે. મોહમ્મદ શમી IPLમાંથી બહાર થયો છે જેથીએવી શક્યતા ઓછી છે કે તે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ (ઓક્ટોબર-નવેમ્બર) સામે ઘરઆંગણે રમાનારી ભારતની ટેસ્ટ મેચ પહેલા પરત ફરશે. આવી સ્થિતિમાં કદાચ શમી હવે ઓસ્ટ્રેલિયા સામેની માર્કી અવે સિરીઝમાં રમતા જોવા મળી શકે છે. શમી સર્જરીને કારણે T20 વર્લ્ડ કપમાં પણ રમી શકશે નહીં.
પીટીઆઈના રિપોર્ટ અનુસાર – મોહમ્મદ શમીના IPLમાંથી બહાર થયા બાદ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના રિહેબિલિટેશન મેનેજમેન્ટ પ્રોગ્રામ પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે, કારણ કે આ મામલે NCA દ્વારા જે રુઢિચુસ્ત વિચાર દર્શાવ્યો છે તે શમીને કામ ન આવી. સૂત્રએ કહ્યું- શમીએ સીધી સર્જરી કરાવવી જોઈતી હતી. આ NCAનો નિર્ણય હોવો જોઈએ, માત્ર બે મહિનાના આરામ અને ઈન્જેક્શનથી કંઈ થયું નથી. ટીમ ઈન્ડિયા માટે શમી અમૂલ્ય છે, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેની જરૂર પડશે. મોહમ્મદ શમીએ IPL 2023માં પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ 17 મેચમાં 18.64ની એવરેજથી સૌથી વધુ 28 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીની આઈપીએલ કારકિર્દી ઘણી શાનદાર રહી છે. શમીએ અત્યાર સુધી 110 આઈપીએલ મેચ રમી છે, જેમાં તેણે 26.87ની એવરેજ અને 8.44ની ઈકોનોમી રેટથી 127 વિકેટ લીધી છે. શમીએ બે વખત એક ઇનિંગમાં ચાર વિકેટ લીધી છે.