મહેસાણા ચીફ કોર્ટે (Mehsana Court) ભાજપ પ્રદેશ પ્રમુખ સી .આર.પાટીલને (CR Pail) સમન્સ પાઠવ્યું છે અને 1 માર્ચના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે જણાવ્યું છે. હકીકતમાં મહેસાણા ચીફ કોર્ટે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને સાક્ષી તરીકે હાજર થવા સમન્સ કાઢ્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મહેસાણા ચીફ કોર્ટે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને (CR Pail) સાક્ષી તરીકે હાજર થવા સમન્સ કાઢ્યું છે. સરકારી અધિકારીનું નામ ધારણ કરીને CMOમાં ફોન કરીને નિગમમાં નોકરી અપાવવાની ભલામણ કરવાના બહુચર્ચિત કેસમાં સી આર પાટીલને સાક્ષી તરીકે હાજર રહેવા માટે સમન્સ મોકલવામા આવ્યું છે. નકલી સરકારી અધિકારીના કેસના કથિત આરોપી ભરત નાયક મહેસાણાનો હોવાથી આ કેસ મહેસાણા ચીફ કોર્ટમાં ચાલવા માટે ટ્રાન્સફર થયો હતો. કોર્ટે આ કેસમાં સાહેદોના નિવેદનો લીધા બાદ સુઓમોટો અંતર્ગત સીઆર પાટીલને સાક્ષી તરીકે હાજર થવા ફરમાન મોકલ્યું છે.
આ કેસમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું સાક્ષી તરીકે નિવેદન લેવુ જરૂરી છે. જેથી બે દિવસ અગાઉ તેમને સાક્ષી તરીકે હાજર રહેવા નોટિસ મોકલી હતી. અને 20 ફેબ્રુઆરીના રોજ હાજર રહેવા જણાવ્યું હતુ પરંતુ તેઓ કોર્ટમાં હાજર થયા ન હતા. જેથી કોર્ટે આ વખતે ATSને સમન્સ બજાવણી માટે મોકલી આપી તેમને 1 માર્ચે હાજર રહેવા તાકીદ કરી છે.