રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરેમન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઈ ચૂકી છે. બંનેના લગ્નની તારીખ હવે જાહેર થશે પણ એ પહેલાં લગ્ન જેવો જ ભવ્ય પ્રસંગ પ્રિ-વેડિંગ ઉજવાશે. અંબાણી પરિવાર પહેલીવાર જામનગરના આંગણે આટલો ભવ્ય પ્રસંગ ઉજવવા જઇ રહ્યો છે. 1 માર્ચ શુક્રવારથી 3 માર્ચ, રવિવાર સુધી ત્રણ દિવસ પ્રિ-વેડિંગ ઉજવાશે અને અતિથિઓને આ માટેના આમંત્રણ મોકલી દેવાયા છે. અતિથિઓને આમંત્રણની સાથેસાથે વોર્ડરોબ પ્લાનર અને કેટલીક માહિતીનું ડેકોરેટિવ કાર્ડ પણ મોકલાયું છે. 9 પાનાનાં આ કાર્ડમાં આકર્ષક ડિઝાઈન અને વોર્ડરોબના ડ્રેસ કોડના ફોટા મૂકવામાં આવ્યા છે. ત્રણ દિવસના પ્રોગ્રામ્સ અને તેના ડ્રેસ કોડ જાણવા જેવા છે. આ ત્રણ દિવસ જામનગરમાં દેશ-દુનિયામાંથી અનેક સેલિબ્રિટીઓ માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ, ઈવાન્કા ટ્રમ્પ, સહિતની સેલિબ્રિટીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
દરેક દિવસની થીમ અને ડ્રેસ કોડ પણ અલગ રખાયાં છે. મહેમાનો માટે હેર સ્ટાઈલિસ્ટ, મેકઅપ આર્ટીસ્ટ અને ડ્રેસ ડિઝાઈનરની વ્યવસ્થા છે. વોર્ડરોબ પ્લાનરના ત્રણ દિવસના ત્રણ પેજમાં ડ્રેસના ફોટોગ્રાફ સાથે માહિતી આપવામાં આવી છે અને જે પ્રોગ્રામ છે તેની થિમ પણ આપવામાં આવી છે. સાથે-સાથે એ દિવસે જામનગરમાં કેટલું તાપમાન હશે, તેનો અંદાજ આપવામાં આવ્યો છે જેથી તાપમાનને અનુરૂપ કોઈએ કપડાં પહેરીને આવવું હોય તો આવી શકે.
મહેમાનોને સગવડતા મળે તે માટે સવાલ-જવાબ પણ અપાયા છે. જેમાં દિલ્હી-મુંબઈથી ચાર્ટર્ડ ફ્લાઈટની માહિતી અને સામાન લાવવાની સૂચના અપાઈ છે. સાથે સાથે એવો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે કે, વોર્ડરોબ પ્લાનર કાર્ડ માત્ર જાણ માટે સાથે આપવામાં આવ્યું છે બાકી, પ્રસંગને અનુરૂપ અને અતિથિઓને મનપસંદ વસ્ત્રો પહેરીને પ્રસંગમાં અભિવૃદ્ધિ કરી શકે છે.આમંત્રણ કાર્ડના અંતે લખ્યં છે કે આ ત્રણ દિવસ વિકએન્ડનો પ્રસંગ આપણા સૌ માટે જીવનભરની સ્મૃતિ બની રહેશે.
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ, ટેડ પીકના સીઈઓ મોર્ગન સ્ટેનલી, માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, ડિઝનીના સીઈઓ બોબ ઈગ્નર, બ્લેક રોકના સીઈઓ લેરી ફિન્ક, એડોબના સીઈઓ શાંતનુ નારાયણ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાંકા ટ્રમ્પ, એડનોક સીઈઓ સુલતાન અહમદ અલ જાબેર, રોથ્સચિલ્ડ એલએલસી કંપનીના સીઈઓ લેડી ડે રોથ્સચિલ્ડ સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ મહાનુભાવો અંબાણી પરિવારના પ્રસંગમાં ઉપસ્થિત રહી શકે છે. આ પ્રિ-વેડિંગમાં અતિથિઓ ભારતીય સંસ્કૃતિનો આનંદ લેશે અને ભારતીય ભોજનનો સ્વાદ પણ માણશે. સાથેસાથે કચ્છ અને લાલપુરની મહિલાઓએ બનાવેલા સ્કાર્ફ પણ અતિથિઓને અપાશે.
જેમને અંબાણી પરિવાર દ્વારા આમંત્રણ અપાયું છે તેમાં, લૂપા સિસ્ટમ્સના સીઈઓ જેમ્સ મુર્ડોક, બ્રિજ વોટર એસોસિયેટના ફાઉન્ડર રે-ડેલિઓ, મેક્સિકોના અમીર કાર્લોસ સ્લિમ, ઝાંગ લેઈ- હિલહાઉસ કેપિટલના ફાઉન્ડર, મુરે ઓકિનક્લોઝ- બ્રિટિશ પેટ્રોલિયમના સીઈઓ, જોન એલ્કનના- એક્સોરના સીઈઓ, જોન ચેમ્બર્સ- સિસ્કોના પૂર્વ ચેરમેન, બ્રૂસ ફ્લેટ- બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટના સીઈઓ, અજીત જૈન- બર્કશાયર હૈથવેમાં ઈન્સ્યોરન્સ ઓપરેશન્સના વાઈસ ચેરમેનનો સમાવેશ થાય છે.