જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું PM મોદીએ સ્વાગત કર્યું છે. PM મોદીએ સોમવારે #NayaJammuKashmir હેશટેગ સાથે ટ્વિટ કરીને કહ્યું કે, કલમ 370 નાબૂદ કરવા અંગેનો સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ઐતિહાસિક છે અને 5 ઓગસ્ટ, 2019 ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને બંધારણીય રીતે સમર્થન આપે છે.
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ લખ્યું કે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં અમારી બહેનો અને ભાઈઓ માટે આ આશા, પ્રગતિ અને એકતાની મોટી જાહેરાત છે. અદાલતે તેમના ગહન જ્ઞાનથી એકતાના મૂળ તત્ત્વને મજબૂત બનાવ્યું છે, જેને આપણે ભારતીયો તરીકે, બધાથી વધુ પ્રિય અને વહાલ કરીએ છીએ.
હું જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના લોકોને ખાતરી આપવા માંગુ છું કે તમારા સપના પૂરા કરવાની અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે પ્રગતિના લાભો માત્ર તમારા સુધી જ નહીં, પરંતુ કલમ 370ને કારણે સહન કરનારા આપણા સમાજના સૌથી સંવેદનશીલ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો સુધી પણ પહોંચે.
PM મોદીએ કહ્યું કે, આજનો નિર્ણય માત્ર કાનૂની નિર્ણય નથી. તે આશાનું કિરણ છે, ઉજ્જવળ ભવિષ્યનું વચન છે અને એક મજબૂત, વધુ અખંડ ભારતનું નિર્માણ કરવાના આપણા સામૂહિક સંકલ્પનો પુરાવો છે. નોંધનિય છે કે, મોદી સરકારને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. CJI DY ચંદ્રચુડે કહ્યું, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું બંધારણીય રીતે માન્ય છે. આ રીતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય એકદમ યોગ્ય હતો.