સુરતથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, અહીં એક પરિણીતાએ પોતાની 5 વર્ષની દીકરીનો ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી અને તેને પોતાની બહેન ગણાવી દુબઈ નાસી છૂટી હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે પરિણીતાના પરીએ આ મામલે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આ તરફ ગુજરાત હાઇકોર્ટના આદેશને આધારે હવે સુરતની લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે પોલીસની તપાસમાં અનેક ચોંકવાનારા ખુલાસા પણ થયા છે.
સુરતમાં એક પરિણીત મહિલાએ દીકરીનો ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા એવાં કાંડ કર્યા કે તમને પણ જાણીને નવાઈ લાગશે. પ્રાથમિક વિગતો મુજબ એક પરિણીત મહિલાએ પોતાની દીકરીને પોતાની બહેન બતાવી અને ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવ્યો હતો. એટલું જ નહીં આ મહિલા પોતાની દીકરી સાથે દુબઈ ભાગી ગઈ હોવાની ખુદ તેમના જ પતિએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ તરફ ગુજરાત હાઇકોર્ટે આ મામલે આદેશ કરતાં સુરત પોલીસે તપાસ શરૂ કરી હતી.
સુરતની લાલગેટ પોલીસની તપાસમાં આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં પરિણીતા નીતા ગત ઓક્ટોબર માસમાં અમદાવાદ એરપોર્ટથી દુબઈ જતી રહી હતી. આ મહિલાએ તેની પાંચ વર્ષની દીકરીને ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવ્યો હતો. જેમાં પરિણીતાએ પોતાના પિતાને દીકરીના પતિ તરીકે દર્શાવ્યા હતા. જોકે હવે સમગ્ર મામલે હાઇકોર્ટના આદેશ બાદ પોલીસે તપાસ કરી ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.