- બે ભાઈના પરિવારમાંથી માત્ર બાળકી જ બચી
વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર મોડી રાત્રે અતિ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પટેલ પરિવારના એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત બાદ ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતમાં 4 વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો છે. બે ભાઈ, બંનેની પત્ની અને એક વર્ષના બાળકનું મોત થતાં સન્નાટો છવાઈ ગયો છે.
વડોદરા શહેરમાં રહેતા બે ભાઈઓનો પરિવાર વતનમાંથી ગતમોડી રાત્રે સુરત તરફથી વડોદરા આવી રહ્યો હતો. પટેલ પરિવાર વડોદરા સ્થિત જાંબુવા બ્રિજથી તરસાલી તરફ કારમાં જઇ રહ્યો હતો. જ્યાં સાઇડ પર ઉભેલા હેવી લોડેડ કન્ટેનરની પાછળ ધડાકાભેર કાર ભટકાતા અતિ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. દરમિયાન બનાવની જાણ સ્થાનિક પોલીસને જાણ થતા તેઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. આ દરમિયાન અકસ્માતની ગંભીરતાને જોતા વડોદરા ફાયર બ્રિગેડને બનાવની જાણ કરવામાં આવી હતી. જેથી મકરપુરા ફાયર બ્રિગેડની ટીમ નિકુંજ આઝાદની સાથે તાત્કાલીક સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં અલ્ટો કારમાં સવાર એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતા. જોકે આ તમામ મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. કારમાં સવાર ચાર વર્ષની એક બાળકી અસ્મિતાનો આબાદ બચાવ થયો હતો. મૃતક પરિવાર વડોદરાના સયાજીપુરા ગામ પાસે આવેલા સાગર ફિલ્મ સિટીની બાજુમાં માધવનગરમાં રહેતો હતો.
મૃતકનાં નામ:
(1) પ્રજ્ઞેશભાઈ પટેલ (ઉં.વ. 34)
(2) મયુરભાઈ પટેલ (ઉં.વ. 30)
(3) ઉર્વશીબેન પટેલ (ઉં.વ. 31)
(4) ભૂમિકાબેન પટેલ (ઉં.વ. 28)
(5) લવ પટેલ (ઉં.વ. 1)
ઇજાગ્રસ્તનું નામ:
અસ્મિતા પટેલ (ઉં.વ. 4)