ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જે બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વીજ ટ્રાન્સમિશન લાઈન ઉભી કરવા બાબતે ખેડૂતની કપાતી જમીન મામલે નુકાસાન સામે સહાયમાં વધારો કર્યો છે. ઓનલાઈન જંત્રીના દરોમાં 200 ટકાના લેખે વળતર ચુકવવામાં આવશે.
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પહેલા એવું હતું કે, ટ્રાન્સમિશન લાઈન સીધી લઈ જવામાં આવતી હતી, બાજુમાં સરકારી કે, ખરાબાની જમીન હોવા છતા કારણ કે, વીજ ટ્રાન્સમિશન લાઈનનો ખર્ચો વધી જતો હતો. પરંતુ હવે હવે લાઈન ચાલતી હોય તેની બાજુમાં ખરોબોની જમીન કે સરકારી જમીન પડી હોય તો ત્યાંથી લાઈન લઈ જવામાં આવશે અને આ રીતે ખેડૂતોની જમીન બચાવી શકાશે. જેમાં વીજ લાઈનનો ખર્ચો વધશે તે પણ વીજ કંપનીઓ ભોગવશે. ટ્રાન્સમિશન લાઈનના વળતરને લઈ મંત્રીએ કહ્યું કે, આ નક્કી કરાયેલી વળતર સહાય હવે પછીના કિસ્સાઓમાં લાગું પડશે. તેમણે જણાવ્યું 2024-25ના બેજેટમાં વહીવટી બાબત માટે રજૂ થયેલ 2506 ચાલું બાબત પૈકી 2219 એટલે કે, 28.54 ટકા વહીવટી બાબતોની મંજૂરી આપી દીધી છે. બજેટમાં નવી બાબતોમાં છે જેમાં 960 હતી જેમાંથી 643 એટલે લગભગ 67 ટકા નવી બાબાતોની પણ મંજૂરી આપી દીધી છે. વર્ષ 2024-25ની ગ્રાન્ટ પણ 1 એપ્રિલ 2024ના રોજ રિલીઝ કરી દેવામાં આવી છે.
ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રવર્તમાન માર્ગદર્શિકામાં કરાયેલા સુધારા અંગે વાત કરતા મંત્રી દેસાઈએ જણાવ્યું કે, ટ્રાન્સમિશન ટાવરના કા૨ણે ટાવર આધારિત વિસ્તાર (ટાવ૨ના ચાર પાયા વચ્ચેનો ભાગ)ની જમીનના નુકશાન પેટે વળતર ચૂકવવામાં આવશે. આ માટે વળતરની ગણતરી કરતી વખતે જે-તે સમય અને સ્થળના સરકારશ્રીના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200 ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક ૧૦ ટકા લેખે વધારો (ચક્રવૃદ્ધિ) પણ ધ્યાને લેવામાં આવશે.
તેમણે રાઈટ ઓફ વે કોરીડોરની વાત કરતા ઉમેર્યું કે, ટ્રાન્સમિશન લાઈનના કારણે જમીનના મૂલ્યમાં થતાં ઘટાડા અંગે સરકાર દ્વારા ચૂકવાતા વળતરમાં પણ સુધારો કરાયો છે. જમીન માલિકની જમીન ઉપરથી પસાર થતી વીજ લાઇનની પહોળાઇ તથા લંબાઈને અનુલક્ષીને જમીનના વિસ્તારના ૧૫ ટકાની જગ્યાએ ૨૫ ટકા મુજબ વળતરનું ચૂકવણું કરવામાં આવશે. આ વળત૨ જે તે સમય અને સ્થળના સરકારશ્રીના પ્રવર્તમાન ઓનલાઇન જંત્રી દરોના ૨૦૦ ટકા લેખે વળત૨ ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક ૧૦ ટકા લેખે વધારો (ચક્રવૃદ્ધિ) પણ ધ્યાને લેવામાં આવશે.
ટ્રાન્સમીશન લાઈનના રૂટ નક્કી કરતા પહેલા સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે જરૂરી પરામર્શ કરવામાં આવશે. પરિણામે જ્યાં ખરાબાની કે ગૌચર જમીન ઉપલબ્ધ હોય ત્યાં તકનીકી ચકાસણી કરી ટ્રાન્સમિશન લાઈન શક્ય હોય ત્યાં સુધી ખેતીની જમીનમાંથી ઓછામાં ઓછી રીતે પસાર થાય તેની પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર સંદર્ભે ચૂકવાતા વળતરની ગુજરાત સ૨કા૨ના તા.14.08.2017ના ઠરાવમાં ડિસેમ્બર – 2021માં સુધારો કરી વળતરમાં વધારો કરવામાં આવેલ અને ફરી એક વાર બે વર્ષના ગાળામાં ખેડૂતોના હિતમાં વળતરમાં વધારો કરવામાં આવેલ છે , તેમ મંત્રીએ જણાવ્યુ હતું.