સંસદ હુમલાની વરસી પર આજે સંસદની બહાર હંગામો થયો હતો. અહીં બે લોકોએ નારા લગાવ્યા અને કલર ગેસ છાંટવાનું શરૂ કર્યું. જેના કારણે સંસદ સંકુલની બહાર હોબાળો મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે આ ઘટના સંસદની બહાર બની હતી. સંસદની અંદર લોકસભામાં સુરક્ષામાં ખામીની વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં દિલ્હી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. તેમના નામ નીલમ અને અનમોલ શિંદે છે. નીલમ એક મહિલા છે અને તેની ઉંમર 42 વર્ષ છે, તે હરિયાણાના હિસારની રહેવાસી છે. બીજા આરોપીનું નામ અનમોલ શિંદે છે. અનમોલના પિતાનું નામ ધનરાજ શિંદે છે અને તે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. તેની ઉંમર 25 વર્ષ છે.
સાંસદો લોકસભામાંથી દોડીને બહાર આવી ગયા
સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે, અચાનક બંને લોકોએ પીળો ધુમાડો ઉડાવવાનું શરૂ કર્યું હતું. મેં તેનો સિક્યોરિટી પાસ જોયો તો તેમાં સાગરનું નામ લખેલું હતું. તૃણમૂલ સાંસદ કાકોલી ઘોષે કહ્યું કે, આ ઘટના બાદ સાંસદો લોકસભામાંથી દોડીને બહાર આવી ગયા હતા. ગેલેરીમાં બેઠેલો કોઈ માણસ ગૃહમાં કચરો અને ગેસ જેવી વસ્તુઓ ફેંકી રહ્યો હતો.
કોઈ વ્યક્તિ તેના જૂતામાં બોમ્બ પણ લઈને આવી શકે
સમાજવાદી પાર્ટીના સાંસદ એસટી હસને કહ્યું કે, પ્રેક્ષક ગેલેરીમાંથી 2 લોકો અચાનક લોકસભાની ચેમ્બરમાં કૂદ્યા હતા અને પોતાના જૂતામાંથી કંઈક કાઢ્યુ હતું, જેના કારણે ગેસ ફેલાયો હતો. તેમણે એમ પણ કહ્યું કે, આ ગેસ કયો હતો, શું તે ઝેરી ગેસ હતો કે નહીં? તેમણે કહ્યુ કે, સંસદની સુરક્ષામાં ખૂબ જ ગંભીર ખામીઓ છે. આ રીતે, કોઈ વ્યક્તિ તેના જૂતામાં બોમ્બ પણ લઈને આવી શકે છે.
અન્ય સાંસદ સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું કે, અચાનક બે લોકો ગૃહમાં આવે છે. 22 વર્ષ પહેલા પણ આ જ રીતે સંસદ પર હુમલો થયો હતો. ખાસ વાત એ છે કે સંસદની સુરક્ષામાં ક્ષતિની આ ઘટના 2001માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની વરસી પર બની છે.