સંસદ હુમલાની વરસી પર આજે સંસદની બહાર હંગામો થયો હતો. અહીં બે લોકોએ નારા લગાવ્યા અને કલર ગેસ છાંટવાનું શરૂ કર્યું. જેના કારણે સંસદ સંકુલની બહાર હોબાળો મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે આ ઘટના સંસદની બહાર બની હતી. સંસદની અંદર લોકસભામાં સુરક્ષામાં ખામીની વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં દિલ્હી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. તેમના નામ નીલમ અને અનમોલ શિંદે છે. નીલમ એક મહિલા છે અને તેની ઉંમર 42 વર્ષ છે, તે હરિયાણાના હિસારની રહેવાસી છે. બીજા આરોપીનું નામ અનમોલ શિંદે છે. અનમોલના પિતાનું નામ ધનરાજ શિંદે છે અને તે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. તેની ઉંમર 25 વર્ષ છે.
આ ઘટના સંસદ ભવન બહાર અને ટ્રાન્સપોર્ટ ભવનની સામે બની હતી. દિલ્હી પોલીસે કહ્યું છે કે બંનેને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની સાથે ઈન્ટેલિજન્સ બ્યુરોની ટીમ પણ પૂછપરછ કરી રહી છે.
નોંધનીય છે કે લોકસભામાં કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે જ અચાનક દર્શક દીર્ઘામાંથી એક યુવક સાંસદો તરફ કૂદી ગયો હતો, જે બાદ બીજા બે શખ્સો પણ આવ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓ આવે તે પહેલા જ સાંસદોએ તે યુવકને ઝડપી લીધો હતો.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, બે યુવકો ગેલેરીમાંથી કૂદયા હતા બાદમાં કશું ફેંક્યું જેમાંથી ગેસ નીકળી રહી હતી. સાંસદોએ તેમને પકડી પાડયા. સુરક્ષાકર્મીઓએ તેને પકડીને બહાર કાઢ્યો. બાદમાં કાર્યવાહીને બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. અધીર રંજને એમ પણ કહ્યું કે નિશ્ચિત રૂપે આ સુરક્ષામાં ચૂક છે કારણ કે આજે જ 2001ના હુમલાની વરસી છે.
અન્ય સાંસદે ખુલાસો કર્યો છે કે આ યુવક પોતાના જૂતામાં કશું લઈને આવ્યો હતો જેની મદદથી તેણે ધુમાડો કર્યો, દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવક નારા લગાવી રહ્યો હતો કે ‘તાનાશાહી નહીં ચલેગી’