કોલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ હરીશ ટંડન અને હિરણ્યમોય ભટ્ટાચાર્યની ખંડપીઠે પશ્ચિમ બંગાળ સીઆઈડીને અવમાનનાની નોટિસ જારી કરી છે. કોર્ટે તેમની પાસેથી 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે આરોપી શાહજહાં શેખની કસ્ટડી આજે સાંજે 4.30 વાગ્યા સુધીમાં સીબીઆઈને સોંપવામાં આવે.
કોલકાતા હાઈકોર્ટે મંગળવારે (5 માર્ચ) સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર હુમલા અને TMCના સસ્પેન્ડેડ નેતા શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પશ્ચિમ બંગાળ પોલીસની કાર્યવાહીને ફટકાર લગાવતા કહ્યું કે આરોપીઓને બચાવવા માટે તપાસમાં વિલંબ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાહજહાં શેખને સીબીઆઈને ન સોંપવા બદલ ઈડીએ કોલકાતા હાઈકોર્ટમાં કોર્ટની અવમાનનાની અરજી દાખલ કરી હતી.
સીબીઆઈએ આ કેસની તપાસ હાથ ધરવા પશ્ચિમ બંગાળ પોલીસનો સંપર્ક કર્યો હતો. શાહજહાં શેખને કસ્ટડીમાં લેવા માટે એજન્સીની એક ટીમ અર્ધલશ્કરી દળો સાથે કોલકાતામાં સીઆઈડી ઓફિસ પણ પહોંચી હતી, પરંતુ તેને કસ્ટડી સોંપવામાં આવી ન હતી. સીબીઆઈની ટીમ ભવાની ભવનમાં સીઆઈડી હેડક્વાર્ટર પહોંચી હતી અને બે કલાકથી વધુ રાહ જોયા બાદ સાંજે 7.30 વાગ્યે શેખને લીધા વગર પરત ફરી હતી.
સીઆઈડીએ કહ્યું હતું કે સંદેશખાલીના નેતા શાહજહાં શેખને કેન્દ્રીય એજન્સીને સોંપવામાં આવ્યો ન હતો કારણ કે પશ્ચિમ બંગાળ સરકારે કોલકત્તા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સેન્ટ્રલ એજન્સી 5 જાન્યુઆરીએ સંદેશખાલીમાં શાહજહાં શેખના સમર્થકો દ્વારા ED અધિકારીઓ પર હુમલા સાથે સંબંધિત કેસની તપાસ કરી રહી છે. કોલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ ટી.એસ.શિવગ્નનમ અને હિરન્મય ભટ્ટાચાર્યની બેન્ચે કહ્યું હતું કે, “પશ્ચિમ બંગાળમાં રાશન કૌભાંડની તપાસ કરી રહેલા ED દ્વારા નોંધાયેલ કેસમાં શાહજહાં શેખ સહિત રાજકીય રીતે શક્તિશાળી વ્યક્તિઓ સામેલ છે.”