પ્રવાસી ઇંગ્લેન્ડ સામે અગાઉથી જ સિરીઝ જીતી ચૂકેલી રોહિત શર્માની ભારતીય ટીમ ગુરુવારથી અહીં શરૂ થઈ રહેલી સિરીઝની પાંચમી ક્રિકેટ ટેસ્ટમાં તેના વિજયનો સ્કોર 4-1 કરવાનો આતુર હશે જ્યારે લગભગ અંગ્રેજ મેદાનો જેવું વાતાવરણ ધરાવતા ધરમશાલાના એચપીસીએ સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડની ટીમ હવામાનનો લાભ ઉઠાવીને તેની પ્રતિષ્ઠા બચાવવાનો તથા પ્રવાસનો સફળ અંત આણવાનો પ્રયાસ કરશે. ભારતના મોખરાના સ્પિનર રવિચંદ્રન અશ્વિનની આ 100મી ટેસ્ટ છે જેને તે યાદગાર બનાવવા મથશે. આ ઉપરાંત ઇંગ્લેન્ડના જોની બેરસ્ટોની પણ આ 100મી ટેસ્ટ છે. સવારે 9.30 કલાકે મેચનો પ્રારંભ થશે.
ભારતે રાંચી ખાતે ગયા સપ્તાહે ચોથી ટેસ્ટ જીતીને તેનો ઘરઆંગણાનો ઉજળો રેકોર્ડ જાળવી રાખ્યો હતો અને હવે તે ફરી એક વાર મેચનું પરિણામ પોતાની તરફેણમાં લાવવા ઇચ્છશે કેમ કે તેનાથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેનું સ્થાન વધારે મજબૂત બની જશે.
અહીંની પિચ અને ઠંડુ હવામાન ઇંગ્લેન્ડની ટીમને તેમના ઘર જેવી અનુભૂતિ કરાવે છે જે આ મેચમાં ચર્ચાનો વિષય બની શકે તેમ છે પરંતુ અંગ્રેજ ખેલાડીઓએ તેનો લાભ લેવા માટે સારું ફોર્મ દાખવવું પણ એટલું જ જરૂરી છે કેમ કે વર્તમાન સિરીઝમાં જસપ્રિત બુમરાહ સહિતના ભારતીય બોલર્સે પ્રવાસીઓને ઘણા પરેશાન કર્યા છે. રાંચી ટેસ્ટના વિરામ બાદ બુમરાહ આ મેચમાં પરત ફરી રહ્યો છે. ધરમશાલામાં પ્રથમ બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે જ્યારે બાકીના દિવસો દરમિયાન તાપમાન થોડું ઉપર આવી શકે છે.
પિચ અત્યારે તો સપાટ લાગે છે પરંતુ તેમાં રહેલા ભેજને કારણે ઝડપી બોલર્સ માટે મેચના તમામ દિવસ દરમિયાન સવારના તબક્કામાં સારી એવી તક રહેલી છે. પરંપરાગત રીતે અહીંની પિચ ઝડપી બોલર્સને મદદકર્તા રહી છે પરંતુ સ્પિનર્સની ભૂમિકાને નકારી શકાય તેમ નથી. આ મેદાન પર 2017માં એક માત્ર ટેસ્ટ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા સામેની એ ટેસ્ટમાં ભારતીય ટીમની સફળતામાં સ્પિનર્સે મોટી અને સફળ ભૂમિકા ભજવી હતી. એ મેચમાં ભારતીય સ્પિનર્સે ઓસ્ટ્રેલિયાની 20માંથી 12 વિકેટ ઝડપી હતી જેમાં કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી રહેલા કુલદીપ યાદવની ચાર વિકેટનો સમાવેશ થતો હતો.
આમ આ મેચમાં ભારત તેના બોલિંગ આક્રમણમાં ખાસ ફેરફાર કરે તેવી શકયતા નથી અને બે ઝડપી બોલર અને ત્રણ સ્પિનર સાથે જ મેદાનમાં ઉતરશે. જસપ્રિત બુમરાહના પુનરાગમનથી ભારતનું બોલિંગ આક્રમણ મજબૂત બની ગયું છે. તે મોહમ્મદ સિરાઝ સાથે બોલિંગનો પ્રારંભ કરશે અને ત્યાર બાદ અશ્વિન, જાડેજા અને કુલદીપ યાદવ સ્પિન આક્રમણ સંભાળશે. કુલદીપ યાદવ આ જ મેદાન પર 2017ના માર્ચમાં કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ હજી સુધીમાં માત્ર 14 ટેસ્ટ રમ્યો છે પરંતુ તે દરેક મેચમાં અસરકારક રહ્યો છે.