અમદાવાદમાં આજે મેટ્રો ટ્રેન 3 કલાક બંધ રહેશે. વાત જાણે એમ છે કે, કાંકરિયા મેટ્રો સ્ટેશનના ઈન્સ્પેક્શનને લઈ આજે વસ્ત્રાલથી થલતેજ મેટ્રો બપોરે 2 થી 5 વાગ્યા સુધી બંધ રહેશે. મહત્વનું છે કે, મેટ્રોના કાંકરિયા ઈસ્ટ સ્ટેશનનુ કામ પુર્ણ થયુ હોવાથી હવે નવુ સ્ટેશન ખુલ્લુ મુકતા પહેલા ઈન્સ્પેક્શન કરાશે. જેને લઈ આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અને પશ્ચિમ કોરિડોર પર દોડતા વસ્ત્રાલથી થલતેજના રૂટ પરની મેટ્રો રેલ સેવા આજે એટલે કે 13 ડિસેમ્બર 2023ના રોજ બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. મેટ્રો રેલ કોર્પોરેશન મુજબ અમદાવાદ શહેરમાં પૂર્વ, પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો રેલ દોડી રહી છે જેનો સમય સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે.
આ તરફ હવે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કાંકરિયા પૂર્વ મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી હતી. જે હવે પૂર્ણ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં આ સ્ટેશન લોકો માટે ખુલ્લું મૂકવાના છે. જેને લઈ હવે મેટ્રો રેલ સુરક્ષાના કમિશ્નર દ્વારા સ્ટેશનની મુલાકાત લઈ તમામ બાબતોની ચકાસણી કરવાની હોવાથી પૂર્વ અને પશ્ચિમ કોરિડોર પર દોડતી વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીની મેટ્રો રેલ સેવા 13 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આજે છેલ્લી ટ્રેન બપોરે 1 વાગે બંને સ્ટેશન પરથી ઉપડશે.