આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી ભુપત ભાયાણી એ રાજીનામુ આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું છે, પરંતુ હું કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં કોઈપણ ભ્રષ્ટાચાર વગર છેલ્લા એક વર્ષથી ઈમાનદારી પૂર્વક કામ કર્યું છે. અત્યાર સુધી રાજનીતિમાં એવું હતું કે, ભ્રષ્ટાચારીઓ અને બુટલેગરો રાજનીતિમાં આવીને વધુ રૂપિયા લૂંટતા હતા. એટલા માટે અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને સમર્થન આપીને ગુજરાતના 41 લાખથી વધુ લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો હતો.
ભાજપના 156 ધારાસભ્યો છે, તેમ છતાં પણ આખા ગુજરાતમાં નકલી સીરપ, નકલી ટોલનાકા, નકલી સરકારી કચેરીઓ જેવી વસ્તુઓ થઈ રહી છે. અને ભાજપ પાસે 156 ધારાસભ્ય હોવા છતાં પણ તેઓ વારંવાર અમારા ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં બોલાવતા હતા. દર અઠવાડિયે એક ધારાસભ્યને આવી ઓફર થતી હતી. અને આજે વિસાવદરના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું છે. આ માટે હું વિસાવદરની જનતાની માફી માગું છું.