અમદાવાદના એસજી હાઇવે અને સિંધુભવન રોડ નબીરાઓના બેદરકારીભર્યા ડ્રાઈવિંગ માટે બદનામ છે. ઈસ્કોન બ્રિજ પરના તથ્ય પટેલના કિસ્સા બાદ ફરીથી અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર એક વાર તેના જેવી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં આજે એક થાર કાર લઇને નીકળેલો નબીરો પૂરપાટ ગતિએ હંકારી એક બાઇક સવારને અડફેટે લીધો હતો. જેના કારણે યુવકનું મોત નિપજ્યું છે.
અમદાવાદના સિંધુભવન રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં જયદીપ વિપુલભાઈ સોલંકી (ઉં.વ 17) મિત્રનું બાઈક (નંબર GJ32 AB 9981) લઈને સિંધુ ભવન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઓરનેટ પાર્ક ચાર રસ્તા પાસે મહિન્દ્રા થાર કારના ચાલકે કારને પૂરપાટ ગતિએ હંકારી બાઈક સવાર યુવક જયદીપને અડફેટે લીધો હતો. ઘટના બાદ કાર ચાલક અહીંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું હતું.
બીજી તરફ ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા GJ-27-ED-0106 રજિસ્ટ્રેશનવાળી થાર કાર જપ્ત કરાઇ છે. અને ફરાર નબીરાને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ આ ઘટનાને લઇને હવે ફરી એકવાર લોકોમાં રોષ ફેલાયો છે. આવા બેફામ ડ્રાઈવિંગ પર લગામ ક્યારે લાગશે તેવા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
અમદાવાદનો સિંધુભવન રોડ રોજ રાત્રે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. આ રોડ પર નશેડીઓની ગેરકાયદે પ્રવૃતિ વારંવાર સામે આવી રહી છે. ત્યારે આવી ઘટનાઓથી પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે.