મોરબીના સનાળામાં મેડિકલ કોલેજમાં સવારે ભરાયેલો સ્લેબ સાંજે તુટી પડતા કામગીરી કરી રહેલા પાંચ શ્રમિકો ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત વધુ ગંભીર છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોરબી- રાજકોટ હાઇવે ઉપર સનાળા ગામ નજીક નવીન મેડિકલ કોલેજનું કામ ચાલી રહ્યુ છે. આ મેડિકલ કોલેજમાં છત ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો.
કાટમાળમાં ફરાયેલા મજુરોને ગેસ કટરની મદદથી રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા હતા. જેમાં પાંચ જેટલા મજુરો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘવાયેલા પાંચ શ્રમિકો પૈકી એકની હાલત ગંભીર છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા મજુરોની સુરક્ષા માટે કોઇ વ્યવસ્થા જોવા મળી ન હતી. મજુરોને બચાવવા માટે સળીયા કાપવા માટે ગેસ કટર પણ હાજર ન હતી જેને લઇ બહારથી લાવવી પડી હતી. જેને કારણે કાટમાળમાં દબાયેલા મજુરોને કલાકો સુધી શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સનાળા ગામમાં નિર્માણાધીન મેડિકલ કોલેજમાં ગઇકાલે સવારથી સ્લેબ ભરવાની કામગીરી ચાલતી હતી જ્યા મોટીસંખ્યામાં મજુરો કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક નવીન સ્લેબ તુટી પડ્યો હતો જેને લઇને અફરા તફરી મચી જવા પામી હતી. નીચે કાટમાળમાં કામકરતા મજુરો દબાયા હતા જેને પગલે રોકકળ મચી જવા પામી હતી. કાટમાળમાં ફસાયેલા મજુરોને રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા હતા. ઘટના બાદ જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. ફાયર વિભાગના જવાનો રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા.
મોરબી સ્લેબ પડવાની ઘટના મુદ્દે ફાયર ઓફિસરે જણાવ્યુ હતુ કે, સ્લેબ ધરાશાયી થવાથી પાંચ મજુરોને ઇજા પહોચી છે. અમને 8 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો. જેમાં નવીન હોસ્પિટલ બની રહી છે ત્યા સ્લેબ પડ્યો હોવાનો કોલ મળ્યો હતો. અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઇ હતી. સ્લેબ નીચે દબાયેલા એક વ્યક્તિને બચાવીને સિવિલમાં સારવાર માટે લઇ જવાયો છે. અમારી ટીમ પહોચે તે પહેલા સ્થાનિકોએ ચાર લોકોને બચાવી લીધા હતા. સમગ્ર ઘટનામાં રાજકોટની ટીમની મદદ પણ લેવામાં આવી હતી. કાટમાળ હટાવવાની સમગ્ર કામગીરી પૂર્ણ થઇ છે.
ઘટના બાદ ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સ્થળ પર પહોચ્યા હતા. તેમણે મજુરોની મુલાકાત પણ કરી હતી અને ત્યાર બાદ તેમણે નિવેદનમાં કહ્યુ કે આ મામલે કોન્ટ્રાકટરની બેદરકારી હશે તો તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ બેદરકાર વ્યક્તિને છોડવામાં નહિ આવે.