મોરબી બાદ હવે સુરેન્દ્રનગરથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુરેન્દ્રનગરના સાયલામાં ખનીજ વિભાગની બેદરકારીએ 2 લોકોનો ભોગ લીધો છે. પ્રાથમિક વિગતો મુજબ સાયલાના ચોરવીરામાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત થયા છે. ઘટનાને લઈ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ સાયલા પોલીસે સ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકના ચોરવીરામાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ચોરવીરામાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત થયા તો અન્ય એકને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. વિગતો મુજબ મૃતકોના નામ હર્ષદ બાટિયા અને હરેશ બાટિયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે બન્ને મૃત યુવકો મુળી તાલુકાના ધોળિયા ગામના છે રહેવાસી હોવાનું પણ ખૂલ્યું છે. ઘટનાને લઈ મૃતકોના પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.