ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ૨૬૧ બિન હથિયારી PSI, ૪૮ હથિયારી PSI અને ૨૩ ઇન્ટેલિજન્સ ઓફિસર મળી ૩૩૨ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, પોલીસે નિષ્ઠાવાન હોવાની સાથે સંવેદનશીલ હોવું પણ જરૂરી છે. જે ગુજરાત પોલીસમાં પ્રતિબિંબિત થાય છે. ગુજરાત પોલીસ માત્ર લૉ એન્ડ ઓર્ડર સાંભળવામાં જ શ્રેષ્ઠ નથી, કુદરતી આપત્તિઓ અને હોનારતના સમયે ફ્રન્ટ ફૂટ પર કામ કરી અનેક જીવન બચાવનાર ફોર્સ છે. આ ગૌરવવંતી ફોર્સમાં જોડાવવાનું ગર્વ તમારી પરેડના પ્રત્યેક કદમ પર ઝળકતું હતું. વર્તમાન ટેકનોલોજીના યુગમાં AI તેમજ વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ તો અનિવાર્ય છે જ, તેની સાથોસાથ હ્યુમન ઇન્ટેલિજન્સ પણ એટલું જ જરૂરી હોવાથી બંનેનો સમન્વય પોતાની કામગીરીમાં કરવા મંત્રીએ સૌ દિક્ષાર્થીઓને સૂચન કર્યું હતું. આ દીક્ષાંત પરેડ સમારોહમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય, ગુજરાત પોલીસ અકાદમી કરાઇના ઉપાચાર્ય સુજાતા મજમુદાર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વિવિધ તાલીમાર્થીઓ સહિત દીક્ષાર્થીના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.