લોકસભા ચૂંટણી પહેલા INDIA ગઠબંધનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તૃણમૂલ કોંગ્રેસ (TMC) રવિવારે (10 માર્ચ) કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘જન ગર્જન સભા’ સાથે તેના 2024 લોકસભા ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. આ સમય દરમિયાન TMC સુપ્રીમો મમતા બેનર્જી રાજ્યની તમામ 42 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરશે. આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે TMC રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે. નોંધનીય છે કે, આ પહેલીવાર છે જ્યારે પાર્ટી બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મેગા જાહેર રેલીમાં તેના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. રેલી પહેલા મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે લોકોને રેલીમાં જોડાવા વિનંતી કરી છે. વિડિયો પોસ્ટ કરતાં તેમણે લખ્યું, “બંગાળની ધીરજ અને સૌજન્યને તેની નબળાઈ ન ગણવી જોઈએ.
અત્યાર સુધી રેલીમાં કોઈપણ રાષ્ટ્રીય વિરોધ પક્ષના નેતા હાજર હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી. રેલીમાં પાર્ટી પોતાના રાષ્ટ્રીય નેતાઓને લાવશે, આ નેતાઓ લોકોનો ઉત્સાહ વધારવા માટે મંચ પર હાજર રહેશે. આ નેતાઓમાં રિપુન બોરા અને સુષ્મિતા દેવ, મુકુલ સંગમા, લલિતેશ રાજેશ ત્રિપાઠી, કીર્તિ આઝાદ, શત્રુઘ્ન સિંહા, સાકેત ગોખલે અને સાગરિકા ઘોષનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણી પહેલા આવી જ રેલીનું આયોજન કર્યું હતું. તે સમયે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ, જેડીએસના એચડી કુમારસ્વામી સહિત લગભગ 20 રાષ્ટ્રીય વિપક્ષી નેતાઓ રેલીમાં સામેલ થયા હતા.
છેલ્લી લોકસભા ચૂંટણીના પરિણામોથી TMCને મોટો ફટકો પડ્યો હતો. ચૂંટણીમાં ભાજપે 18 બેઠકો જીતી હતી, જ્યારે TMC 22 બેઠકો જીતવામાં સફળ રહી હતી. બાકીની 2 બેઠકો કોંગ્રેસે જીતી હતી. જો કે, ટીએમસીએ 2021ની વિધાનસભા ચૂંટણીમાં જોરદાર જીત સાથે વાપસી કરી હતી. હાલમાં TMC સંદેશખાલીની ઘટનાનો સામનો કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યાં પાર્ટીના શક્તિશાળી નેતા શાહજહાં શેઠાખ પર છેડતીથી લઈને યૌન શોષણ સુધીના તમામ આરોપો લાગ્યા છે. હાલમાં શાહજહાં શેખ CBIની કસ્ટડીમાં છે, જ્યાં આ હિંસા સંબંધિત કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.