લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે બિહારમાં મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, લાલુ પ્રસાદ યાદવના નજીકના RJD નેતા સુભાષ યાદવની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDએ 14 કલાક સુધી સુભાષ યાદવના 8 સ્થળો પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ દાનાપુર સ્થિત નિવાસસ્થાનમાંથી 2 કરોડ રૂપિયાની રોકડ ઉપરાંત જંગી સંપતી સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. સુભાષ યાદવ ગેરકાયદે રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
સુભાષ યાદવ 2019માં RJD ની ટિકિટ પર લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેની સામે પટનામાં ગેરકાયદેસર રેતી ખનન માટે કેસ નોંધાયેલા છે. આવકવેરા વિભાગે તેના સ્થાન પર પણ દરોડા પાડ્યા છે. નોંધનીય છે કે, આ પહેલા શનિવારે EDએ સુભાષ યાદવના ઘરે દરોડા પાડ્યા હતા. લાલુ યાદવના નજીકના રેત માફિયા સુભાષ યાદવ પર EDએ પોતાની પકડ વધુ કડક કરી છે. શનિવારે તેના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
સુભાષ યાદવ RJDના નેતા છે અને ઝારખંડમાંથી RJD ની ટિકિટ પર ચૂંટણી પણ લડી ચુક્યા છે. EDએ દાનાપુર સહિત 6 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ EDની ટીમ શનિવારે RJD ચીફ લાલુ પ્રસાદ યાદવના નજીકના સુભાષ યાદવના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. સુભાષ યાદવ વિરુદ્ધ રેતીના કારોબાર સંબંધિત કેસમાં ED આ કાર્યવાહી કરી રહી છે.