વડા પ્રધાન મોદી ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ આપવાના છે. 12 માર્ચના રોજ વડાપ્રધાન વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. જેમાં વધુ એક વંદે ભારત ટ્રેન મળશે. 12 માર્ચે વડાપ્રધાન અમદાવાદ- મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, ભુજ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ, વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ (OSOP), ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (GCT), ગુડ્સ શેડ, જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. જે કાર્યક્રમને લઈને રેલવે દ્વારા તૈયારીઓ કરાઈ રહી છે. જે સેવા શરૂ થતાં લોકોને મોટો ફાયદો થશે.
અમદાવાદ-મુંબઇ રૂટ પર પ્રવાસીઓનો ભારે ઘસારો રહે છે જેને લઇને વધુ એક ટ્રેનની માંગણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં ચોથી વંદે ભારત ટ્રેનની ભેટ મળવાની છે. જેનું 12 માર્ચના પીએમ મોદી પ્રસ્થાન કરાવશે. ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે પણ વીજળીક ગતીએ આગળ વધી રહ્યુ છે ત્યારે રાજ્યને અન્ય રાજ્યોના મહત્વના શહેરો સાથે કનેક્ટવીટીમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદથી મુંબઇ બિઝનેસ અને વેપારના કામ માટે દરરોજ મોટીસંખ્યામાં લોકો આવતા જતા હોય છે તેમને સુવિધા મળી રહે અને સમયની બચત થાય તે માટે પીએમ મોદી દ્વારા ચોથી વંદે ભારત ટ્રેનની ભેટ આપી રહ્યા છે. અમદાવાદથી મુંબઇ વચ્ચે નવી શરૂ થનારી વંદે ભારત ટ્રેનને 12મી માર્ચએ વડાપ્રધાન મોદી લીલીઝંડી આપી શકે છે. આ ટ્રેન સોમથી શનિવાર સુધી નિયમિત દોડશે. એટલે કે સપ્તાહમાં છ દિવસ મુસાફરોને આ ટ્રેનનો લાભ મળી રહેશે. જ્યારે રવિવારના દિવસે આ ટ્રેન નહી દોડે. આ દિવસે ટ્રેનનું મેન્ટેનન્સનું કામ થશે.
આ પહેલા ગાંધીનગરથી મુંબઈ, જોધપુરથી સાબરમતી અને અમદાવાદ-જામનગર રૂટ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થઇ છે. ત્યારે હવે મુંબઇને જોડતી વધુ એક વંદે ભારત ટ્રેનનો લાભ મુસાફરોને મળશે. કોઇ ખામી રહી ન જાય તે માટે ટ્રેનના તમામ કોચ એસી, એક્ઝિક્યુટિવ, ચેરકાર, સીસીટીવી, વાઇફાઇ તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ-મુંબઇ રૂટ પર આ બીજી ટ્રેન શરૂ થવાની છે. રાજ્યને પહેલી વંદે ભારત ટ્રેન એક વર્ષ પહેલા 30 સપ્ટેમ્બર 2022ના ગાંધીીનગર-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે મળી હતી. બીજી વંદે ભારત એક્સપ્રેક્સ ટ્રેન અમદાવાદ અને રાજસ્થાનના જોધપુર રૂટ પર 7 જુલાઇ 2023ના મળી હતી. તેમજ અમદાવાદના સાબરમતી સ્ટેશનથી સૌરાષ્ટ્રના જામનગરને જોડતી વંદે ભારત ટ્રેન 24 સપ્ટેમ્બર 2023માં શરૂ કરવામાં આવી હતી જેનાથી સૌરાષ્ટ્રની મુખ્ય શહેરો સાથે કનેક્ટવીટી રહી છે ત્યાના લોકો સરળતાથી અમદાવાદ સુધી પહોચી શકે છે.
અમદાવાદથી મુંબઇ સુધી દરરોજ મોટીસંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો રહે છે. વંદે ભારતને લીલી ઝંડી મળ્યા બાદ તેને રાબેતા મુજબ ચલાવવામાં આવશે. વચ્ચે આવતા સ્ટોપેજ પર મુસાફરોને પીકઅપ કરવામાં આવશે. અન્ય ટ્રેનની સરખામણીએ મુસાફરોને સમયમાં બચત થશે. ભારતીય રેલ દ્વારા મુસાફરોને વધુ સારી સુવિધા આપવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારતનું રેલવે નેટવર્ક વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત મિનિ હાઇ સ્પીડ ટ્રેન એટલે કે વંદે ભારત તૈયાર કરવામાં આવી રહી છે. આ સંપૂર્ણ રીતે ભારતમાં જ તૈયાર થયેલી પહેલી ટ્રેન છે.