આખા દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડવા લાગી છે. તો યુપી અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આ સાથે જ હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે. પહાડી વિસ્તારોમાં શીત લહેર ચાલી રહી છે જે કારણે મેદાની વિસ્તારોના તાપમાનમાં ઘટાડો થયો છે. જો કે આ સાથે જ ઘણા રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઘણા રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરી છે. IMD અનુસાર, કેરળ, માહે અને તમિલનાડુમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં રવિવાર સુધી વરસાદી માહોલ જારી રહેશે. ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં ગાઢ ધુમ્મસની સાથે પૂર્વોત્તર ભારતના ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. તેથી, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હળવા વરસાદ સાથે ફરી એકવાર તીવ્ર ઠંડી શરૂ થશે. બુધવારે રાયપુરનું લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું હતું. જે આ વર્ષની ઠંડી સિઝનનું સૌથી નીચું તાપમાન છે.
ગુજરાતમાં પણ ધીરે ધીરે ઠંડી જોર પકડી રહી છે એવામાં દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આવતા ત્રણ દિવસ માટે વાતાવરણ શુષ્ક રહેશે. એટલે કે ગુજરાતમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાન સામાન્ય કરતા નીચે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ફરી ઘટાડો થઈ શકે છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં સવારથી ગાઢ ધુમ્મસ પણ પડી રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં AQI સ્તર હજુ પણ અત્યંત નબળી શ્રેણીમાં છે.