દેશમાં લોકશાહીના પર્વનો પ્રારંભ થઈ ગયો છે. ઘણા દિવસથી પ્રતિક્ષાનો અંત આવતાં 2024ની લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે નવનિયુક્ત ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ સાથે ખાસ પ્રેસ કોન્ફરન્સમાં આખો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થશે અને 4 જુને રિઝલ્ટ જાહેર થશે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે મતદાન થશે. ચૂંટણી પંચના એલાન સાથે જ આખા દેશમાં આદર્શ આચરસંહિતા લાગુ પડી ગઈ છે તેથી હવે સરકાર કોઈ નવી જાહેરાત નહીં કરી શકે જોકે પહેલેથી ચાલુ વિકાસકામો પૂરા કરી શકાશે. આચારસંહિતા લાગુ પડ્યાં બાદ રાજકીય પક્ષોએ ઘણા પ્રકારના પ્રતિબંધોનો સામનો કરવો પડશે.
– 96.8 કરોડ મતદારો 543 સાંસદો ચૂંટશે
– 55 લાખ EVMનો ઉપયોગ થશે
– 1.8 કરોડ યુવાનો પહેલી વાર મતદાન કરશે
2019ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો તે સાત તબક્કામાં થઈ હતી. 10 માર્ચ 2023ના દિવસે પંચ ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે થયું હતું અને અંતિમ તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. 23 મેના રોજ પરિણામ જાહેર થયું હતું. આ ચૂંટણીમાં ભાજપે 2014 કરતા પણ મોટી જીત મેળવી હતી. 2014માં ભાજપે 282 બેઠકો જીતી હતી, જ્યારે 2019માં તેણે 303 બેઠકો જીતી હતી. એનડીએએ 353 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 52 બેઠકો જીતી હતી. 2019માં 17મી લોકસભાની રચના માટે ચૂંટણી યોજાઈ હતી જેની મુદત ચાલુ વર્ષના 16 જુનના રોજ પૂરી થઈ રહી છે જે પહેલા નવી લોકસભાની રચના કરી લેવાની રહે છે.
બે મુખ્ય રાજકીય પાર્ટી ભાજપ અને કોંગ્રેસ અત્યાર સુધી ઉમેદવારોની 2 યાદી જાહેર કરેલી છે. ચૂંટણી તારીખો જાહેર થયાં બાદ હવે બન્ને સહિત બધી પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારો જાહેર કરશે. ચૂંટણી પંચે ચાર રાજ્યો આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કીમમાં વિધાનસભા ચૂંટણી પણ જાહેર કરી છે.