અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 18 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ભાગ્યે જ કોઈ ભૂલી ગયું હશે. ટીમ ઈન્ડિયા સતત 11 મેચ જીત્યા બાદ શાનદાર ફોર્મમાં હતી, પરંતુ ફાઇનલમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો, જેણે લાખો ચાહકોના દિલ તોડી નાખ્યા હતા.
એવામાં હવે હવે પૂર્વ બોલર મોહમ્મદ કૈફે ફાઈનલની પિચને લઈને મોટો ખુલાસો કરતાં કહ્યું કે એમને પિચનો રંગ બદલતો જોયો છે. આ સિવાય એમને વર્લ્ડ કપમાં હાર માટે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડને જવાબદાર ગણાવ્યા હતા. મોહમ્મદ કૈફે કહ્યું કે ભારતની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે હતી, એ સમયે કેપ્ટન અને કોચે પિચને એટલી ધીમી બનાવી દીધી કે તે પોતાના પર બોજ બની ગઈ. જો આવું ન થયું હોત તો ભારતીય ટીમ ચેમ્પિયન બની શકી હોત.
પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ‘હું ત્યાં 3 દિવસ માટે હતો. રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ બંને સાંજે આવ્યા, પીચ પર ગયા, આજુબાજુ જોયું, તે કેવી પીચ છે. અડધો કલાક ત્યાં ઊભા રહ્યા, એક કલાક ઊભા રહ્યા. ત્યાં એક દિવસ પસાર થયો. બીજે દિવસે તેઓ ફરી આવ્યા અને આસપાસ ફરતા હતા…ત્યાં અપ-ડાઉન કરતા હતા…એક કલાક ત્યાં વાતો કરતા હતા. સતત ત્રણ દિવસથી આવું બન્યું.’
કૈફેનું કહેવું છે કે હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવવા માટે, ભારતે પીચ એટલી ધીમી બનાવી કે આ દાવ તેમના પર ઊલટો પડ્યો. એમને કહ્યું કે, ‘ મેં પિચનો રંગ બદલતો જોયો છે, હું કોમેન્ટેટર તરીકે બોલી રહ્યો છું. કમિન્સ છે… સ્ટાર્ક છે, તેની પાસે ફાસ્ટ બોલિંગ છે તેથી તેને ધીમી પિચ ન આપો, 100 ટકા, આ એક ભૂલ હતી.”
જાણીતું છે કે ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે ખૂબ જ અસરકારક સાબિત થયો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા નિર્ધારિત 50 ઓવરમાં 240 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમના બેટ્સમેનો ઘણો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જોકે ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 241 રનના લક્ષ્યાંકનો પીછો કરી લીધો હતો. કાંગારૂ ઓપનર ટ્રેવિસ હેડે 137 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.