RTO ની કામગીરીને લઈને લોકો ઘણી હાલાકી ભોગવતા હોય છે. અમદાવાદ આરટીઓ કચેરીમાંથી જાણવા મળ્યું હતું કે સર્વરમાં કોઈ ક્ષતિ સર્જાતા છેલ્લા બે-ત્રણ દિવસથી સર્વર બંધ છે.ગુજરાતનું મેટ્રો સિટી કહેવાતું અમદાવાદ શહેર કે જ્યાં દિવસ દરમિયાન લાખો વાહનો રસ્તા પર ફરતા હોય છે. આ વાહનોના ચાલકને ભારત સરકાર નિયમ મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે. અમદાવાદ જિલ્લામાં કુલ ત્રણ આરટીઓ કચેરી આવેલી છે. જ્યાં દરરોજના હજારો લોકો આરટીઓને લગતા અને વાહનને લગતા કાર્યો કરવા પહોંચે છે. તેમાંના એક એવા ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માટે દિવસ દરમિયાન અનેક લોકો એપોઇન્ટમેન્ટ આરટીઓ કચેરી પહોંચે છે, પરંતુ જ્યારે ટેસ્ટ ટ્રેકના સર્વર ઠપ હોય ત્યારે ટેસ્ટ આપનાર લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. અમદાવાદ શહેરમાં સુભાષબ્રિજ સર્કલ ખાતે આવેલી આરટીઓ કચેરી અને વસ્ત્રાલ આરટીઓ કચેરીની છેલ્લા ત્રણ દિવસથી ટેસ્ટ ટ્રેક બંધ છે. તે ઉપરાંત આજના દિવસમાં પણ સર્વર ઠપ હોવાને કારણે ટેસ્ટ ટ્રેક બંધ રહેશે.
આ અંગે આરટીઓ અધિકારી જે.કે. પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અન્ય વેબસાઈટ ચાલી રહી છે, પરંતુ ટ્રેક અંગેની કામગીરી બંધ છે. અગાઉથી જ અરજદારોને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. રોજના 100થી 120 જેટલા અરજદારો ટેસ્ટ આપવા માટે આવતા હોય છે અને તેઓની તમામ તારીખને રી-શિડ્યુલ કરવામાં આવી છે.
અમદાવાદ જેવા મોટા શહેરોમાં આરટીઓ કચેરીના ટેસ્ટ ટ્રેક બંધ થવાથી શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહા મહેનતે એપોઇન્ટમેન્ટ બુક કર્યા બાદ સર્વર ઠપ હોવાથી નાગરિકોની લાંબી લાઇન લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત અન્ય દિવસોમાં પણ અગાઉથી જ બુક કરનાર લોકોને પણ હાલાકી વેઠવી પડશે. કારણ કે છેલ્લા ત્રણ દિવસથી સર્વર ઠપ હોવાથી તે કામ પણ પેન્ડિંગ રહેતા આગામી દિવસોમાં તેમને એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. ત્યારે ટેસ્ટ ટ્રેક બંધ હોવાથી ગત ત્રણ દિવસ અને આજરોજ જે લોકોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી તેમને પણ આગામી દિવસોમાં આપવામાં આવશે. તેથી આરટીઓ કચેરીના કર્મચારીઓને પણ કાર્યભારમાં વધારો થાય તેવી શક્યતાઓ છે. આરટીઓ કચેરીમાંથી જાણવા મળ્યું હતું કે, ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિવાયની અન્ય સેવાઓ રાબેતા મુજબ શરૂ રહેશે.
અમદાવાદ આરટીઓ કચેરીમાંથી જાણવા મળ્યું હતું કે, ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર હેઠળ આરટીઓના સર્વર ચાલતા હોય છે, પરંતુ તે સર્વરમાં કોઈ ક્ષતિ સર્જાતા છેલ્લા બે-ત્રણ દિવસથી સર્વર બંધ છે. ત્યારે આજરોજ પણ સર્વર બંધ રહી તેનું મેઇન્ટેનન્સ થશે. આગામી દિવસોમાં સર્વર રાબેતા મુજબ શરૂ થશે, પરંતુ ક્યારથી શરૂ થાય તે વિશે ચોક્કસ માહિતી આરટીઓ કચેરીમાંથી મળી નથી. કચેરીમાંથી દિવ્ય ભાસ્કરને જણાવવામાં આવ્યું હતું કે, મેઇન્ટેનન્સ કાર્ય પૂર્ણ થયા બાદ સર્વર ફરીથી શરૂ થઇ જશે તથા આવતીકાલથી જ દરેક કાર્ય રાબેતા મુજબ શરૂ થાય તેવી શક્યતા પણ છે.