ભારતીય નૌકાદળે તાજેતરમાં હિંદ મહાસાગર અને અરબી સમુદ્રમાં 16 માર્ચે વેપારી જહાજ એમવી રુએનને ચાંચિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું અને 35 સોમાલિયન ચાંચિયાઓને પણ અટકાયતમાં લીધા હતા. આ તરફ હવે હવે કસ્ટમ્સ અને ઈમિગ્રેશન ઔપચારિકતા બાદ આ લૂંટારાઓને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા છે. આનો એક વીડિયો સામે આવી રહ્યો છે જે મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી બહારનો છે.
વાત જાણે એમ છે કે, ચાંચિયા વિરોધી ઓપરેશન હેઠળ નેવીએ ભારતીય સમુદ્ર કિનારાથી 2600 કિલોમીટર દૂર ચાંચિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા. લગભગ 40 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં નેવીના INS કોલકાતા અને INS સુભદ્રા યુદ્ધ જહાજો, ડ્રોન અને મરીન કમાન્ડો સામેલ થયા હતા.
નેવીએ કહ્યું હતું કે, ઓપરેશનના ભાગરૂપે એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની મદદથી માર્કોસ કમાન્ડોને ભારતીય કિનારેથી 2600 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં એરડ્રોપ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત માર્કોસ કમાન્ડો માટેની ઘણી ખાસ બોટ પણ અરબી સમુદ્રમાં ઉતારવામાં આવી હતી. આ બોટોની મદદથી ભારતીય માર્કોસ કમાન્ડો અપહરણ કરાયેલા વેપારી જહાજ એમવી રૌન પર ચઢી ગયા અને ત્યાં એક ઓપરેશન હાથ ધર્યું અને ચાંચિયાઓને આત્મસમર્પણ કરવા દબાણ કર્યું.
આ નેવલ ઓપરેશન લગભગ 40 કલાક સુધી ચાલ્યું. આ દરમિયાન ચાંચિયાઓએ ભારતીય જવાનો પર ઘણી વખત ગોળીબાર પણ કર્યો હતો. નૌકાદળના જણાવ્યા અનુસાર આ મહત્વપૂર્ણ બચાવ અભિયાનના ભાગરૂપે ભારતીય યુદ્ધ જહાજ INS કોલકાતા પર 35 ચાંચિયાઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વેપારી જહાજ એમવી રૂએનના 17 ક્રૂ મેમ્બર્સને પણ સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા.
માલ્ટાના વેપારી જહાજ એમવી રૂએનને ગયા વર્ષે ડિસેમ્બરમાં એડનની ખાડીમાં ચાંચિયાઓએ હાઇજેક કર્યું હતું. હવે ચાંચિયાઓ આ જહાજનો ઉપયોગ અન્ય જહાજોને હાઇજેક કરવા માટે કરી રહ્યા હતા. 15 માર્ચે, ભારતીય નૌકાદળે સોમાલિયાના પૂર્વ કિનારે એમવી રુએન જહાજને અટકાવ્યું હતું. જે બાદ નૌકાદળે એમવી રૂએનને ચાંચિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવવા ઓપરેશન હાથ ધર્યું હતું.
સોમાલિયા એક એવો દેશ છે, જેના સમુદ્રમાં માછલીઓનો પુષ્કળ ભંડાર છે. 1990 સુધી સોમાલિયાનું અર્થતંત્ર માછીમારી પર નિર્ભર હતું. ત્યારે અહીં ચાંચિયાઓનો ડર નહોતો. મોટા ભાગના લોકો માછલીનો વેપાર કરતા હતા. પછી અહીં ગૃહયુદ્ધ શરૂ થયું. સરકાર અને નૌકાદળ હવે નથી. વિદેશી કંપનીઓએ એનો ફાયદો ઉઠાવ્યો.
સોમાલિયાના લોકો નાની હોડીઓમાં માછલી પકડતા હતા. વિદેશી કંપનીઓના મોટા ટ્રોલર્સ આવીને તેમની સામે ઊભા રહ્યા. લોકોનો રોજગાર છીનવાઈ જવા લાગ્યો. એનાથી પરેશાન થઈને સોમાલિયાના લોકોએ હથિયાર ઉપાડ્યાં અને સમુદ્રી લૂંટારા બની ગયા. દરિયાઈ માલવાહક જહાજોનો મોટો કાફલો સોમાલિયાના કિનારેથી પસાર થતો હતો..
માછીમારો લૂંટારા બનીને આ જહાજોને નિશાન બનાવવા લાગ્યા. તેમણે વહાણ છોડવાના બદલામાં ખંડણી લેવાનું શરૂ કર્યું. 2005 સુધીમાં આ ધંધો એટલો મોટો થઈ ગયો હતો કે પાઇરેટ સ્ટોક એક્સચેન્જ બનાવવામાં આવ્યું હતું. એનો અર્થ એ છે કે લોકો તેમની કામગીરીને ભંડોળ આપવા માટે લૂંટારાઓમાં રોકાણ કરી શકે છે. એના બદલામાં લોકોને લૂંટેલાં નાણાંનો મોટો હિસ્સો મળશે.