લોકસભા ચૂંટણીની કવાયત વચ્ચે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભાની ચૂંટણી પહેલાં ભૂતપૂર્વ એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ (નિવૃત્ત) આરકેએસ ભદૌરિયા ભાજપમાં જોડાયા છે. પૂર્વ વાયુસેના પ્રમુખ આજે એટલે કે રવિવારે 24 માર્ચના રોજ પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે, જ્યારે 4 જૂને પરિણામ જાહેર થશે.
આરકેએસ ભદૌરિયા સપ્ટેમ્બર 2021માં એરફોર્સ ચીફના પદ પરથી નિવૃત્ત થયા હતા. આ રીતે તેમના સ્થાને એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીને વાયુસેનાના વડા બનાવવામાં આવ્યા છે. ભદૌરિયા 30 સપ્ટેમ્બર, 2019 થી 30 સપ્ટેમ્બર, 2021 સુધી દેશના વાયુસેના પ્રમુખ હતા. તે ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના બાહ તાલુકાના રહેવાસી છે. આરકેએસ ભદૌરિયાએ ભારતને રાફેલ જેટ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા જે વિમાનો માટે ફ્રાન્સ સાથે વાટાઘાટો કરી રહી હતી.