લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકથી એક મોટી અપડેટ સામે આવી છે. તમને બધાને યાદ હોય તો તાજેતરમાં ભાજપના એક નેતાએ બંધારણ બદલવાને લઈ એક નિવેદન આપ્યું હતું જે કારણે તેમની ખૂબ ટીકા પણ થઈ હતી. જોકે હવે ભાજપે આવા બહુ બૉલતા નેતાઓની ટિકિટ કાપી હોવાનું સામે આવી છે. વાત જાણે એમ છે કે, 6 વખત સાંસદ રહેલા અનંત કુમાર હેગડે અનેક પ્રસંગોએ બંધારણ બદલવાની વાત કરતા હતા, થોડા દિવસો પહેલા પણ તેમણે આવી જ વાત કરી હતી પરંતુ ભાજપે આવા નેતાઓ સામે કડક સંદેશ આપતા તેમની ટિકિટ રદ્દ કરી દીધી છે. ભાજપે આ વખતે કર્ણાટકથી પોતાના ફાયરબ્રાન્ડ નેતા અનંત હેગડેને ટિકિટ આપી નથી. ઘણી વખત તેમના નિવેદનોને કારણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને શરમનો સામનો કરવો પડ્યો છે. આ વખતે પાર્ટીએ આવા ઘણા મોટા નેતાઓની ટિકિટો રદ કરી છે. આમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પણ સામેલ છે. તેથી ભાજપ તરફથી તમામ કટ્ટર નેતાઓને આ સ્પષ્ટ સંદેશ છે.
અનંત કુમાર હેગડે છેલ્લા 28 વર્ષથી ઉત્તરા કન્નડ લોકસભા સીટ પરથી જીતી રહ્યા છે. તેઓ 6 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમાંથી તેઓ સતત ચાર વખત ચૂંટણી જીતતા આવ્યા છે. પરંતુ આ વખતે તેમને ટિકિટ આપવામાં આવી નથી. હેગડે આવા નિવેદનો આપતા રહે છે જેના કારણે વિવાદ સર્જાય છે. તાજેતરમાં તેમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, ભાજપનો 400નો ટાર્ગેટ છે કારણ કે બંધારણ બદલવું એ અમારું લક્ષ્ય છે.
એક સભામાં તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, બંધારણ હિન્દુઓ પર અત્યાચાર કરવા માટે છે તેથી તેને ફરીથી લખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે બળજબરીથી તેમાં બિનજરૂરી વસ્તુઓ ભરી છે જેના કારણે બંધારણ તેના મૂળ સ્વરૂપથી વિકૃત થઈ ગયું છે. કોંગ્રેસે એવો કાયદો બનાવ્યો છે જેમાં હિન્દુ સમાજને દબાવવામાં આવે છે. જો આ બધું બદલવું હોય તો હાલની બહુમતી સાથે તે શક્ય નથી તેથી અમને 400 બેઠકોની જરૂર છે.
જ્યારે પણ તેઓ આવા નિવેદનો કરે છે અને વિરોધ પક્ષો તેનો વિરોધ કરે છે ત્યારે ભાજપ અનંત હેગડેના નિવેદનથી દૂર રહે છે. પાર્ટીનું કહેવું છે કે, આ તેમનું અંગત નિવેદન છે. પરંતુ આ વખતે સંદેશ એકદમ સ્પષ્ટ છે કારણ કે અન્ય ઘણા મોટા નેતાઓની ટિકિટો પણ રદ કરવામાં આવી છે. હેગડે ઉપરાંત પ્રજ્ઞા સિંહ ઠાકુર, દિલ્હીના સાંસદ રમેશ વિધુરી, પરવેશ સાહિબ સિંહ વર્મા જેવા મોટા નેતાઓની ટિકિટ પણ રદ્દ કરવામાં આવી છે. આ વખતે અનંત કુમાર હેગડેને બદલે 6 વખતના ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર વિશ્વશેર હેગડેને ટિકિટ આપવામાં આવી છે.