ભારતના આંતરિક મુદ્દાઓમાં અમેરિકાની ટિપ્પણીને લઈ મામલો ગરમાયેલો છે. ભારતના આકરા વાંધો છતાં અમેરિકાએ ફરી એકવાર ભારતના આંતરિક મામલામાં ટિપ્પણી કરી છે. પહેલા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ અને હવે કોંગ્રેસ પાર્ટીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે અમેરિકાએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું છે કે, અમેરિકા દરેક મુદ્દા માટે ન્યાયી, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું, તેઓ કોઈ ખાનગી રાજદ્વારી વાતચીત વિશે વાત કરી રહ્યા નથી પરંતુ તેઓ ચોક્કસપણે નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરે છે. એજન્સી સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું કે, આ અંગે કોઈને કોઈ વાંધો ન હોવો જોઈએ.
આ પહેલા પણ અમેરિકા CM અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને નિવેદન આપી ચુક્યું છે. અમેરિકાની ટિપ્પણી બાદ ભારતે આ મુદ્દે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલય (MEA) ના અધિકારીઓએ યુએસ મિશનના કાર્યકારી નાયબ વડા ગ્લોરિયા બાર્બેનાને દિલ્હીમાં સાઉથ બ્લોકમાં તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. આ બેઠક લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ મુખ્ય પ્રધાન કેજરીવાલ માટે ન્યાયી, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાને પ્રોત્સાહન આપ્યું હતું. આ પછી, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાની ટિપ્પણી પર સખત વાંધો ઉઠાવે છે.
વિદેશ મંત્રાલય દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે, મુત્સદ્દીગીરીમાં બીજાની સાર્વભૌમત્વ અને આંતરિક બાબતોનું સન્માન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. તદુપરાંત લોકશાહીના કિસ્સામાં આ જવાબદારી પણ વધારે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આમ ન કરવાથી ખોટી મિસાલ સ્થાપિત થઈ શકે છે. ભારતે દિલ્હીમાં જર્મન મિશનના ડેપ્યુટી ચીફને પણ બોલાવ્યા હતા અને દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ પર તે દેશના વિદેશ મંત્રાલયની ટિપ્પણી પર સખત વિરોધ નોંધાવ્યો હતો. નોંધનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેજરીવાલની દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે.