લોકસભા ચૂંટણી સમયે ગુજરાતમાં રાજકીય ધમાસાણ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડુ આવ્યુ છે. ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્લી જવાના છે. રાજ્યની અલગ-અલગ બેઠકો પર વિવાદ વચ્ચે CMનો દિલ્લી પ્રવાસ થવાનો છે. આ ઉપરાંત મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ભાજપના ઘોષણાપત્રને તૈયાર કરવાની ચર્ચા માટે બેઠક યોજાવાની છે. જેમાં 2024ની ચૂંટણી માટે ઘોષણાપત્રને લઇ ચર્ચા કરાશે. આ સાથે હાઇકમાન્ડ ગુજરાતની સ્થીતીનો તાગ પણ મેળવશે. રાજ્યમાં ઉમેદવારો સામે વિરોધને લઇ CM સાથે ચર્ચા કરી શકે છે.
લોકસભા ચૂંટણી 2024 જાહેર થતાની સાથે જ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે રાજ્યની 26 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ પહેલીવાર ગુજરાત ભાજપમાં કાર્યકરોનો જૂથવાદ અને અસંતોષ બહાર આવ્યો છે જેને લઇને પ્રદેશ મોવડી મંડળ પણ ચિંતિત બન્યુ છે. ડેમેજ કંટ્રોલ શરૂ કર્યુ છે. આ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલને આજે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આમ તો સીએમ મેનિફેક્ટો કમિટીની બેઠકમાં જવાના છે પરંતુ સુત્રોની વાત માનીએ તો સીએમ હાઇકમાન્ડ સાથે બેઠક કરી શકે છે. અને ગુજરાતની રાજકીય સ્થિતીથી વાકેફ કરશે.
ગુજરાતમાં વડોદરા, અમરેલી, સાબરકાંઠા, જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારોને લઈ ભાજપમાં આંતરિક જૂથવાદ ખુલીને બહાર આવ્યો છે. પક્ષના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડ કરવી પડી રહી છે. પક્ષમાં કોંગ્રેસીઓની ભરતી મેળાથી કાર્યકરો નારાજ બન્યા છે. ભરતી મેળાને કારણે પક્ષપલટુઓને મહત્ત્વનું સ્થાન મળી રહ્યું છે, જેના કારણે પણ ભાજપમાં આંતરિક ખટપટ વકર્યો છે. સળગતા માહોલ વચ્ચે મુખ્યમંત્રીને દિલ્હીનું તેડુ આવ્યુ છે. સોમવારે ભાજપની મેનિફેસ્ટો- ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક યોજાવાની છે, જેમાં મુખ્યમંત્રી ભાગ લેશે.સૂત્રોનું કહેવું છે કે, ગુજરાતમાં ભાજપની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને હાઈકમાન્ડ સાથે ચર્ચા થઈ શકે છે.