વિદેશથી સોનાની દાણચોરીનો ઘટનાઓ તો તમે સાંભળી હશે પણ મુંબઈથી તાજેતરમાં કોકેનની દાણચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈમાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ એક વ્યક્તિની ધરપકડ કરી છે જેના પેટમાંથી 11 કરોડ રૂપિયાનું કોકેઇન મળી આવ્યું છે. પશ્ચિમ આફ્રિકાના દેશ સિએરા લિયોનનો રહેવાસી આરોપી 74 કેપ્સ્યુલ (1108 ગ્રામ) કોકેઇનને પેટમાં છુપાવીને તેની દાણચોરીમાં વ્યસ્ત હતો. આ કોકેઈનની કિંમત 11 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
વાત જાણે એમ છે કે, ચોક્કસ બાતમીના આધારે DRI મુંબઈના અધિકારીઓએ 28 માર્ચે મુંબઈના CSMI એરપોર્ટ પર ડ્રગ્સ વહન કરવાની શંકાના આધારે સિએરા લિયોનના એક નાગરિકને અટકાવ્યો હતો. પકડાઈ જવાના ડરથી દાણચોર કોકેઇનની 74 કેપ્સ્યુલ ગળી ગયો હતો. મુસાફરની પૂછપરછ કરતાં ડ્રગ્સ ધરાવતી કેપ્સ્યુલ ગળી હોવાનું અને ભારતમાં દાણચોરી કરવા માટે તેના શરીરમાં લઈ જવાની કબૂલાત કરી હતી.
આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટના આદેશ મુજબ તેને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં ઓપરેશન દ્વારા પેટમાંથી 74 કેપ્સ્યુલ કાઢવામાં આવી હતી. આ મુસાફરના શરીરમાંથી 1108 ગ્રામ કોકેઇન ધરાવતી કુલ 74 કેપ્સ્યુલ મળી આવી હતી. જેની કિંમત લગભગ 11 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 30 માર્ચના રોજ આ કોકેઇન NDPS એક્ટ, 1985 હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું અને આ મુસાફરની NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે વધુ તપાસ ચાલુ છે.