રૂપાલાની ટીપ્પણી બાદ પ્રથમ વખત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજપૂત સમાજને અપીલ કરતા કહ્યુ છે કે, રૂપાલાએ માફી માગી છે હવે તેમને માફ કરી દો. ગુજરાત ભાજપ પ્રમુખે કહ્યુ કે રૂપાલાથી ભૂલ થઈ ગઈ તેમણે માફી પણ માગી છે. રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ કરે. નોધનીય છે કે લોકસભા ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. ત્યારે આજે એક તરફ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજને પરષોત્તમ રુપાલાને માફ કરવા અપીલ કરી છે તો બીજી તરફ ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહાર કરતા ગુજરાતનો રાજકિય માહોલ ગરમાયો છે. પરષોત્તમ રુપાલા વિવાદ દિવસેને દિવસે ગરમાઇ રહ્યો છે.
રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજા રજવાડા અંગે કરેલી ટિપ્પણીનો વીડિયો વાઈરલ થતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. રાજ્યભરમાં તેમનો વિરોધ થઇ રહ્યો છે.
રૂપાલાની રાજા રજવાડા વિશે ટીપ્પણીનો વિડિયો વાયરલ થયા બાદ ક્ષત્રિયો રોષે ભરાયા છે ત્યારે રૂપાલા બે વાર માફી માગી ચુક્યા છે પરંતુ રાજપૂત મહિલાઓ વિશે કરેલી ટીપ્પણીને લઇ સમાજ કોઇપણ ભોગે માફી આપવા તૈયાર નથી. જેને લઇને રૂપાલાની મુશ્કેલીઓ વધી રહી છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની રાજકોટથી ટિકિટ કાપવાની માંગણી કરવામાં આવી રહી છે.
ક્ષત્રિય સમાજના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે આજે પરષોત્તમ રૂપાલા વિવાદ માં ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર અને પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા છે. શંકરસિંહ વાઘેલાએ વિવાદને લઇ ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપતા કહ્યુ કે પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર રહેશે. જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે, દ્રૌપદી પર આંધળી બાબતે નિવેદન થયુ પછી મહાભારત થયું હતું. ‘રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી નહી કરી તેનો રોષ સમાજમાં છે. પોલીસ બહેનોને અરેસ્ટ કરવાની કોશિશ કરી છે. સરકારે દાઝ્યા પર ડામ આપીને સમાજના કાર્યકરોની ધરપકડ કરે એ સારી નિશાની નથી.
પરષોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી માગી હોવા છતાં ગુજરાતના ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે. રાજકોટથી રૂપાલાનો વિરોધ શરૂ થયો જે ધીરેધીરે મહેસાણા જિલ્લો, બનાસકાંઠા, સાંબરકાંઠા, મોરબી જિલ્લાના વાંકાનેર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને સુરત જિલ્લાના માંગરોળમાં ક્ષત્રિય સમાજે પણ રૂપાલાના નિવેદન મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. મહેસાણામાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આવેદન પત્ર આપી રૂપાલા સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. એટલુ જ નહી રુપાલા સામે રોષ હવે રાજસ્થાન સુધી પહોચ્યો છે. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના શીલા શેખાવત દ્વારા રુપાલાની ટીપ્પણીને વખોડી છે અને રૂપાલાની ટીકીટ રદ કરવા માંગણી કરવામાં આવી છે. રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાને બદલવાની માગ સાથે ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપ્યુ હતુ. રાજકોટમાં ઉમેદવાર નહીં બદલે તો ભાજપ વિરોધી મતદાન કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી આપી હતી.