લોકસભાની ચૂંટણીમાં ચંદીગઢ બેઠક હોટ સીટ બની રહી છે કારણ ભાજપ હજુ સુધી અહીંનો ઉમેદવાર નક્કી કરી શકી નથી. ભાજપે આ એક બેઠક પર ઉમેદવાર પસંદ કરવાનો નિર્ણય પીએમ મોદી પર છોડી દીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ મોદી વ્યક્તિગત રીતે ચંદીગઢ બેઠકની ચર્ચા કરશે, આગામી થોડા દિવસોમાં આ અંગે નિર્ણય લેવાઈ જશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મેયરની ચૂંટણી અને કોંગ્રેસ-આપ ગઠબંધન બે મોટા કારણો હોઈ શકે છે. મેયરની ચૂંટણીમાં કેમેરા પર મતો સાથે ચેડાં કરવાનો મામલો સામે આવ્યો હતો, જે બાદ સુપ્રીમ કોર્ટે બેલેટ પેપરની ગણતરી કરી હતી. ત્યારે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મેયર જાહેર કરવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે મતો આપ અને કોંગ્રેસ જોડાણના ઉમેદવાર કુલદીપ કુમારના પક્ષમાં હતા પરંતુ રદબાતલ કરાવવામાં આવતાં ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. ચંદીગઢ ભાજપમાં પણ જૂથવાદ ચાલી રહ્યો છે અને શહેરમાંથી સ્થાનિક અને નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની માંગ કરવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, એવી અટકળો ચાલી રહી હતી કે ભાજપ આ બેઠક પરથી કંગના રનૌતને મેદાનમાં ઉતારી શકે છે. જો કે તેમને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ આપવામાં આવી છે. બે ક્રિકેટરોએ પણ ચંદીગઢથી ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. સ્થાનિક ચૂંટણી સમિતિએ હાઈકમાન્ડને ચાર નામ મોકલ્યા હોવાની માહિતી મળી છે, જેમાં વર્તમાન સાંસદ કિરણ ખેરનો સમાવેશ થતો નથી. ખેરે 2014 અને 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના પવન બંસલને હરાવ્યાં હતા.
કોંગ્રેસે પણ ચંદીગઢના ઉમેદવાર પસંદ કરવાનો નિર્ણય અધ્યક્ષ ખરગે પર છોડ્યો છે. અહેવાલ છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી પવન બંસલ અને મનીષ તિવારી પણ ચંદીગઢથી ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના સ્થાનિક પ્રમુખે સ્થાનિક નેતાને તક આપવાની વાત કરી છે.